વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની લોકસભા બેઠક પર ઉમેદવારીપત્રક ભર્યું: કેન્દ્રીય પ્રધાનો અને મુખ્ય પ્રધાનો હાજર રહ્યા
વારાણસી (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસી બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કર્યું હતું અને આ પ્રસંગે કરવામાં આવેલા શક્તિ પ્રદર્શનમાં તેમની સાથે એનડીએના કેટલાક નેતાઓ, કેન્દ્રીય પ્રધાનો તેમ જ મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા.
સફેદ કૂરતા પાયજામા અને બ્લ્યુ રંગનું જેકેટ તેમ જ વાદળી રંગનો ખેસ નાંખ્યો હતો. પહેલાં ગંગાજીના દશાશ્ર્વમેઘ ઘાટ પર આરતી અને શહેરમાં આવેલા કાળ ભૈરવના મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઓફિસમાં પહોંચ્યા હતા.
ઉમેદવારી પત્રક ભર્યા બાદ તરત જ વડા પ્રધાન રુદ્રાક્ષ ક્ધવેન્શન સેન્ટરમાં પહોંચ્યા હતા અને ત્યાં પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધ્યા હતા.
પાર્ટીના સ્થાનિક પ્રવક્તાએ એવી માહિતી આપી હતી કે મોદીએ પાર્ટીના પદાધિકારીઓને વિજયનો મંત્ર આપ્યો હતો અને કાર્યકર્તાઓને કહ્યું હતું કે પાર્ટીની સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવી. મોદીએ તેમને કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થઈ તેની ઉજવણીના ભાગરૂપે દરેક બૂથમાંથી ગઈ લોકસભાની ચૂંટણી કરતાં 370 મત વધુ મળવા જોઈએ.
ઉમેદવારીપત્રક ભર્યા બાદ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે વારાણસી બેઠક પરથી ઉમેદવારીપત્રક ભર્યું હતું. આ ઐતિહાસિક બેઠક પરથી લોકોની સેવા કરવાનું સન્માનજનક છે. લોકોના આશીર્વાદથી છેલ્લા એક દાયકામાં અનેક નોંધપાક્ષ સિદ્ધિઓ મેળવવાાં આવી છે. આગામી દિવસોમાં કામની ગતિમાં હજી વધારો થશે.
એનડીએના સાથીઓની હાજરીથી હું સન્માનિત થયો છું. અમારા ગઠબંધનમાં રાષ્ટ્રના વિકાસ અને પ્રાદેશિક આકાંક્ષાઓ પ્રત્યે કટિબદ્ધતા જોવા મળી રહી છે. અમે દેશના વિકાસ માટે આગામી વર્ષોમાં કામ કરતાં રહીશું, એમ મોદીએ કહ્યું હતું.
હિન્દીમાં કરેલી અલગ પોસ્ટમાં તેમણે કાશીના લોકોને પોતાના પરિવારના સભ્યો ગણાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ત્રીજી વખત સંસદમાં પહોંચાડવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. છેલ્લે તેમણે લખ્યું હતું કે જય બાબા વિશ્ર્વનાથ.
મોદીના ઉમેદવારીપત્રક ભરવાના સમયે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, હરદીપસિંહ પુરી, અનુપ્રિયા પટેલ અને રામદાસ આઠવલે હાજર હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ, ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ, જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ, હિન્દુસ્તાની અવામ મોરચાના જિતેનરામ માંંઝી અને રાષ્ટ્રીય લોકમોરચાના વડા ઉપેન્દ્ર કુશવાહા પણ કલેક્ટરની કચેરીમાં હાજર હતા.
ઉત્તર પ્રદેશના પ્રધાન અને નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદ, સુહેલદેવ, ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમપ્રકાશ રાજભર, આરએલડીના વડા જયંત ચૌધરી, એલજેપી (રામવિલાસ)ના વડા ચિરાગ પાસવાન, પીએમકેના નેતા અંબુમણી રામદોસ, તામીલ મનીલા કૉંગ્રેસના વડા જી. કે. વાસન, ભાજપના નેતા દેવનાથન યાદવ, બીડીજેએસના વડા તુષાર વેલ્લાપલ્લી અને અસોમ ગણ પરિષદના પ્રમુખ અતુલ બોરા પણ હાજર હતા.
બિહારના મુખ્ય પ્રધાન નિતીશકુમાર આરોગ્યની સ્થિતિને કારણે હાજર રહ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનુમોદક તરીકે ચાર લોકો દ્વારા સહી કરવામાં આવી હતી જેમાં પંડિત ગણેશ્ર્વર શાસ્ત્રી, લાંબા સમયથી આરએસએસના પદાધિકારી બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકરનો સમાવેશ થતો હતો એમ ભાજપના પદાધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોદી આદિત્યનાથની સાથે ચારેય કલેક્ટરની કચેરીમાં હાજર હતા.
વડા પ્રધાને ઉમેદવારીપત્રક ભરવાના આગલે દિવસે એટલે કે સોમવારે વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો અને ત્રીજી મુદતમાં પવિત્ર શહેરને વધુમાં વધુ સેવા આપવાનું વચન આપ્યું હતું.
વારાણસીમાં સાતમા અને છેલ્લા તબક્કામાં પહેલી જૂને મતદાન થવાનું છે. કૉંગ્રેસે આ બેઠક પરથી રાજ્ય એકમના અધ્યક્ષ અજય રાયને ઉમેદવારી આપી છે, જ્યારે બીએસપીએ અથર જમાલ લારીને ઉમેદવારી આપી છે. (પીટીઆઈ)