Top Newsનેશનલ

ઇન્ડિગો સંકટ પર PMOની નજર: સરકારી સકંજા પછી એરલાઇન્સે માગી 10 દિવસની મુદ્દત…

નવી દિલ્હી: છેલ્લા ચાર-પાંચ દિવસથી દેશભરમાં હવાઈ ટ્રાફિક સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેનું મુખ્ય કારણ બજારમાં 60% હિસ્સો ધરાવતી ઇન્ડિગો એરલાઇન્સની વ્યવસ્થામાં આવેલો ભંગાણ છે. પાયલટોના ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટ (FDTL) સંબંધિત નવા નિયમો આવ્યા પછી ઇન્ડિગોનું સંચાલન ખોરવાઈ ગયું છે, જેના પરિણામે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી છે અથવા મોડી ચાલી રહી છે. દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ કે કોલકાતા જેવા તમામ મોટા એરપોર્ટ્સ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં હવે ઉચ્ચ સ્તરેથી હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એરલાઇન સંકટની પરિસ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સતત ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ સાથે સીધી વાતચીત કરી રહ્યું છે અને એરલાઇનને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ઉડાન વ્યવસ્થાને જલદીથી જલદી સામાન્ય બનાવવામાં આવે. એવું માનવામાં આવે છે કે CEO એલ્બર્સે એવિએશન નેટવર્કને ફરીથી સ્થિર કરવા માટે સરકાર પાસેથી લગભગ દસ દિવસનો સમય માંગ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રાથમિકતા મુસાફરોની મુશ્કેલીઓનો અંત લાવવા અને હવાઈ સંચાલનને સ્થિર બનાવવાની છે.

ઇન્ડિગોએ સરકાર સમક્ષ FDTL એટલે કે ‘ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટ’ના નિયમોમાં કેટલીક હંગામી રાહત આપવાની માંગ કરી છે. કંપનીનું કહેવું છે કે હાલના નિયમો ખૂબ જ કડક છે, જેના કારણે પાયલટોના શિફ્ટનું પ્લાનિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે, સરકારી અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જ્યાં નિયમનકારી બેદરકારી, સંચાલનમાં ગડબડી અથવા મુસાફરોને નુકસાન થયું હોય તેવા કિસ્સાઓમાં એરલાઇનને દંડ ચૂકવવો પડી શકે છે. PMOનું સતત મોનિટરિંગ દર્શાવે છે કે આ સ્થિતિ પર દેશના સર્વોચ્ચ સ્તરેથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો…દેશના 11 એરપોર્ટ પર 570 ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ, સરકારે લગાવ્યો ફેયર કેપ…

આ સમગ્ર સંકટને લઈને સરકાર ખૂબ જ ગંભીર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય સ્તરે પણ વિમાનોની તૈનાતી અને સ્લોટ મેનેજમેન્ટની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી દેશભરના એરપોર્ટ્સ પર ઉડાનની ગતિ સામાન્ય બની શકે. ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓને આજે સાંજે 6 વાગ્યે સિવિલ એવિએશન મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા. આ બેઠક એરલાઇનના તાજેતરના પ્રદર્શન અને મુસાફરોની સુવિધાના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button