વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરની તેમની પ્રથમ મુલાકાત માટે ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ ‘ડેવલપ ઈન્ડિયા ડેવલપ જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે અને કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 5,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બક્ષી સ્ટેડિયમ ખાતે શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારજનોને નિમણૂક પત્રો આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બક્ષી સ્ટેડિયમમાં જનમેદનીને સંબોધી હતી અને યુવાનો સાથે વાતચીત કરી હતી. લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે પૃથ્વી પરના સ્વર્ગ પર આવવાની અનુભૂતિ જ અલગ છે. કાશ્મીર દેશનું મસ્તક છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ અહીંની પ્રજાનું દિલ જીતવા આવ્યા છે. અહીંની પ્રજાએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો છે અને તેમના પ્રેમનું ઋણ ચૂકવવામાં તેઓ કોઇ કસર નહીં છોડે.
શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં હાજર વડાપ્રધાન મોદીની પ્રશંસક એક કાશ્મીરી મહિલાએ રાજ્યમાંથી કલમ 370 હટાવવા પહેલા અને પછીના પોતાના અનુભવો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું મોદીની મોટી પ્રશંસક છું, તેમણે આપણા કાશ્મીર માટે એવા કાર્યો કર્યા છે, જે આજ સુધી કોઈએ કર્યું નથી. અગાઉ આપણું કાશ્મીર ઘણું પાછળ હતું. પણ હવે મારું કાશ્મીર પણ પ્રગતિ કરી રહ્યું છે.
મહિલાએ જણાવ્યું હતું કે, ‘મારો જન્મ 1993માં થયો હતો. મેં કાશ્મીરમાં એવું દ્રશ્ય જોયું છે, જે ભગવાન કોઈને ન બતાવે. અહીં બંદૂકની અણી પર દીકરીઓના લગ્ન કરવામાં આવતા હતા. છોકરીઓ નાની ઉંમરે વિધવા થઈ જતી. જ્યારે પણ યુવક ઘરની બહાર નીકળતો ત્યારે તેની લાશ રાત્રે ઘરે આવતી. અહીંના કબ્રસ્તાન મૃતદેહોથી ભરેલા હતા. પરંતુ 370 હટાવ્યા બાદ સ્થિતિ સુધરી છે. મહિલાએ જણાવ્યું હતું મોદીએ આ દેશ માટે ઘણું કર્યું છે. અમારા બાળકો ઘરે બેઠા બેઠા હતાશ થઈ જતા હતા. પરંતુ આજે તેઓ ઘરની બહાર જઈને રમે છે.
મહિલાએ કહ્યું હતું કે મેં આતંકવાદને ખૂબ નજીકથી જોયો છે. અમારી જમીનો બળજબરીથી પચાવી પાડવામાં આવી હતી. લોકોમાં એક ભય હતો જે હવે દૂર થઈ ગયો છે. હું નથી ઇચ્છતી કે અમારા બાળકો કાશ્મીરમાં જે જીવન જીવ્યા છે અને જે આતંકવાદ મેં સહન કર્યા છે તે ભોગવે. એટલા માટે મને મોદીજી ખૂબ ગમે છે. તેમની હાજરી સુરક્ષાની લાગણી આપે છે. નોંધનીય છે કે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી અને આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી સતત આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે.
ભાજપનો દાવો છે કે કાશ્મીરના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રેલી છે, જેમાં 2 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. તાજેતરમાં સમયમાં કાશ્મીરમાં આટલો મોટો જાહેર મેળાવડો જોવા મળ્યો નથી.