
ગુરુગ્રામ (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કૉંગ્રેસ અને સાથી પક્ષોની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તેઓ નકારાત્મકતાથી ભરેલા છે. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે માળખાકીય પ્રોજેક્ટને અમલીકરણની ગતિ બમણી કરવાનું વચન આપ્યું હતું.
દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણાના ક્ષેત્રને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેને કારણે ગુરુગ્રામ અને દિલ્હીની વચ્ચેની અવરજવરનો સમય ઘટી જશે. આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે માળખાકીય પ્રોજેક્ટને શરૂ કરવાની અને પૂરા કરવાની ઝડપને જોઈને ‘ઘમંડિયા ગઠબંધન’ની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમને તો એવી આદત હતી કે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી દેવાનો અને પૂરા કરવાની કોઈ સમયમર્યાદા જ હોય નહીં.
માળખાકીય પ્રોજેક્ટ પ્રત્યેના સરકારના વલણને સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષના ત્રણ મહિનામાં જ તેમણે અંદાજે રૂ. 10 લાખ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કે પછી શિલાન્યાસ કર્યો છે.
આ પહેલાં મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનને ખુલ્લો મૂક્યો હતો, જેને રૂ. 4,100 કરોડના કર્ચે બાંધવામાં આવ્યો છે. દ્વારકા એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 29 કિલોમીટર છે અને તેનું બાંધકામ રૂ. 9,000 કરોડના ખર્ચે થઈ રહ્યું છે.
દ્વારકા એક્સપ્રેસ વે દેશનો પહેલો એલિવેટેડ આઠ લેનનો અર્બન એક્સપ્રેસ વે છે જે રૂ. 60,000 કરોડના હાઈવે ડેવલપમેન્ટ પ્લાનનો ભાગ છે. દેશની રાજધાનીને વાહનોની ગીચતાથી મુક્ત કરવાની આખી યોજના છે. (પીટીઆઈ)