તમે પણ બાળકોને મોડેલ, એક્ટર બનાવવા માગો છો?, તો જાણી લેજો…..
દરેક માબાપનું એવું સપનું હોય છે કે તેમનું સંતાન આગળ વધે, નામ દામ કમાય, ટીવી પર આવે, તેની ચારેબાજુ વાહવાહ થાય વગેરે… પણ આ મામલે સાવધાની રાખવી જરૂરી છે, નહીંતો આમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. પાટનગર દિલ્હીમાં હાલમાં જ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં છેતરપિંડી કરનારાઓએ બાળકોને મોડલ બનાવવાની લાલચ આપીને પેરેન્ટ્સને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આવો આપણે આ કિસ્સો જાણીએ.
દિલ્હીના દ્વારકા ખાતે રહેલી એક 34 વર્ષીય મહિલા ફુરસદના સમયમાં સોશિયલ મીડિયા સાઇટ સ્ક્રોલ કરી રહી હતી, ત્યારે તેની નજર એક જાહેરાત પર પડી, જેમાં બાળકોને ટ્રેનિંગ આપવાનું અને બાદમાં મોડેલિંગની તકો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જાહેરાતમાં નામી કંપની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તેના પર મોડેલ બાળકની તસવીરો પણ હતી. મહિલાની આઠ વર્ષની દીકરી હોવાથી તેને લાગ્યું કે તેમની દીકરી માટે મોડેલિંગમાં જવાની સારી તક છે.
Also read: Vav Election: ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે મતદાન…
તેણે જાહેરાત પર ક્લિક કર્યું. આ ક્લિક તેમને ટેલિગ્રામ ચેનલ પર લઇ ગઇ. ધીમે ધીમે તેમાં અન્ય પણ ઘણા પેરેન્ટ્સ જોડાયા અને પછી ચાલું થયું છેતરપિંડીનું ષડયંત્ર. પહેલા તો તેમની પાસે રજીસ્ટ્રેશન ફી લેવામાં આવી. પાછળથી બાળકોની ટ્રેનિંગ, ડ્રેસીસ, થિયેટર શો, ટિકિટ વેચાણ વગેરે જુદા જુદા નામે તેમની પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા. આમ રજીસ્ટ્રેશન ફી સાથે શરૂ થયેલી સ્કીમ પાછળથી બાળકો માટે રોકાણની તકમાં ફેરવાઈ ગઇ. પેરેન્ટ્સને મોડેલિંગ અસાઇનમેન્ટનું વચન પણ આપવામાં આવ્યું. બાળકને મોડેલિંગની તક મળે તે માટે તેમણે આવા બધા રોકાણ પણ કર્યા.પછી શૂટ શેડ્યૂલ મેળવવા માટે રાહ જોઈ પણ કોઇ મોડેલિંગ એસાઇનમેન્ટ મળ્યું નહીં. મહિલાને પછી સમજાયું કે તે માત્ર એક કૌભાંડ હતું.
મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી અને આવા ગોરખધંધા કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ રીતે ઓછામાં ઓછા 197 લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ સ્કેમર્સ એવા પેરેન્ટ્સને નિશાન બનાવતા હતા, જેઓ તેમના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. તેઓ બાળકોનો ફેસ સુંદર છે કરીને મેસેજ કરતા હતા અને મોડેલિંગ માટે રજિસ્ટ્રેશન કરાવતા હતા. તેમની પાસેથી બ્રાન્ડ જાહેરાતો અને તાલીમ માટે તગડી ફી વસુલવામાં આવતી હતી.
Also read: મામેરું કે પાઘડીની લાજ હવે 3.10 લાખ મતદારોના હાથમાં: આવતીકાલે…
તેમને મોડેલિંગ એસાઇનમેન્ટ માટે નકલી પોઇન્ટ સિસ્ટમમાં ફસાવીને કેટલાક ઓનલાઈન કામ કરાવવામાં આવતા હતા, જેના દ્વારા તેઓ લેવલ અનલોક કરે અને તેમના બાળકોને મોડેલિંગ અસાઇનમેન્ટ કે એડ જલદીથી મળે. આ રીતે આ સ્કેમર્સે અત્યાર સુધીમાં લોકોને પાંચ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જો, તમે પણ તમારા બાળકોને ઝાકઝમાળની મોડેલિંગ અને એડની દુનિયામાં પ્રવેશ કરાવવા માગો છો તો આ કિસ્સો તમારી આંખ ઉઘાડનારો છે. અહીંયા ડગલેને પગલે ધૂતારાઓ તમને લૂંટવા બેઠા છે, તેથી તમારે સાવધ રહેવાની જરૂર છે.