
Mobile EMI RBI Rules: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈની સુવિધા આવ્યા પછી રૂપિયાની પ્રવાહીતા વધી છે. આ સિવાય નો કોસ્ટ EMI પર ઘણી વસ્તુઓ પણ મળી રહી છે.
જેથી લોકો મોંઘી વસ્તુઓ ખરીદવામાં પણ ખચકાતા નથી. આજકાલ લોકો આઈફોન જેવા મોંઘા ફોન પણ નો કોસ્ટ EMI પર ખરીદવા લાગ્યા છે. પરંતુ જો તમે નો કોસ્ટ EMI જેવી લોન પર ફોન ખરીદ્યો છે, તો તમારા માટે એક ચેતવણી છે.
લોન નહીં ચૂકવો તો મોબાઈલ લોક થશે
લોન ડિફોલ્ટના વધતા કિસ્સાઓ વધી રહ્યા છે. જેથી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, RBI લોન આપનારાઓને એક સુવિધા આપવાનો વિચાર કરી રહી છે.
આ વિચાર અંતર્ગત લોન પર લીધેલા ફોનને જલ્દી લોક કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે, આ નિર્ણયથી લોકોના ડેટાની પ્રાઈવસી અને અધિકારોને લઈને સવાલો ઊભા થઈ શકે છે.
અગાઉ પણ લોન ન ચૂકવવા પર લેન્ડર્સ ગ્રાહકનો ફોન લોક કરી દેતા હતા. લેન્ડર્સ લોન પર આપેલા ફોનને લોક કરવા માટે એપનો ઉપયોગ કરતા હતા. આ એપને ફોનમાં ઇનસ્ટોલ કરવામાં આવતી હતી.
RBIએ તેમની આ પ્રેક્ટિસ બંધ કરાવી દીધી હતી. પરંતુ હવે RBI ફરીથી તેની મંજૂરી આપી શકે છે. આગામી મહિનાઓમાં આ અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે, એવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.
લોન પર ખરીદાય છે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ
બેંક ઈચ્છે છે કે, નાની લોન આપનાર પાસે તેને રિકવર કરવાની શક્તિ હોય. સાથોસાથ લોકોનો ડેટા પણ સુરક્ષિત રહે. આ માટે બેંક એક મિકેનિઝમ તૈયાર કરી રહી છે.
જેનાથી લેન્ડર્સ લોન ન ચૂકવનાર ગ્રાહકનો મોબાઈલ લોક તો કરી શકે. પરંતુ તેના ડેટાનો એક્સેસ ન કરી શકે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, 2024માં થયેલા એક સર્વેના અહેવાલ મુજબ, ભારતમાં એક તૃતિયાંશ ગ્રાહકો ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ નાની લોન લઈને ખરીદે છે. જેમાં સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે. 1.4 અરબની વસ્તીના દેશમાં 1.16 અરબ લોકો પાસે મોબાઈલ કનેક્શન ઉપલબ્ધ છે.
આ પણ વાંચો…RBIના ચેક બાઉન્સના નવા નિયમો: હવે જાણી જોઈને ચેક બાઉન્સ કરશો તો ખેર નથી!