નેશનલ

દિલ્હીમાં મોબ લિંચિંગ: પ્રસાદની ચોરીની આશંકાથી ટોળાએ યુવકની હત્યા કરી, છની ધરપકડ

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મોબ લિન્ચિંગ ઘટના બની હતી. 26 સપ્ટેમ્બરે સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ પ્રસાદની ચોરીની શંકામાં એક મુસ્લિમ સમુદાયના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. સુંદર નગરી વિસ્તારમાં લોકોના ટોળા દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવતા ઈસાર અહેમદનું મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ઈસાર એક થાંભલા સાથે બંધાયેલો જોવા મળે છે અને કેટલાક લોકો તેને લાકડીઓ વડે મારતા જોવા મળે છે. વિડિયોમાં, ઇસાર પીડાથી રડે છે અને વિનંતી કરે છે, પરંતુ લોકો તેને નિર્દયતાથી મારતા રહે છે.

ઇસાર મજૂરી કામ કરતો હતો અને તેના પરિવારમાં પિતા અને ચાર બહેનોનો સમાવેશ થાય છે. ઘટના બાદ ઈસરના ઘરની બહાર, ઘટના સ્થળે અને વિસ્તારમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

ઈસારના પિતા અબ્દુલ વાજિદે પોલીસને જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બરે સાંજે લગભગ 6:30 વાગ્યે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમણે તેમના પુત્ર ઈસારને ઘરની બહાર પડેલો જોયો. તેના આખા શરીર પર ઈજાના નિશાન હતા અને તે દર્દથી રડી રહ્યો હતો.

ઈસરે તેના પિતાને જણાવ્યું કે સવારે 5 વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ તેને જી4 બ્લોક, સુંદર નગરી પાસે પકડી લીધો હતો. ટોળાના લોકોએ આરોપ મુક્યો કે તે પ્રસાદની ચોરી કરી રહ્યો છે અને તેને થાંભલા સાથે બાંધી દીધો. તેને થોડીવાર લાકડીઓ વડે માર્યો અને પછી નખ ખેંચી કાઢ્યા. તેનો પાડોશી આમિર તેને રિક્ષામાં બેસાડી ઘરે લઈ આવ્યો.

સાંજે 7 વાગ્યાની આસપાસ ઈસરનું તેના ઘરે મોત થયું હતું. રાત્રે 10:46 કલાકે અબ્દુલ વાજિદે પીસીઆરને ફોન કરીને પોલીસને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ઈસર અહેમદ (26)ને નંદ નગરી વિસ્તારમાં લોકો દ્વારા થાંભલા સાથે બાંધીને લાકડીઓથી મારવામાં આવ્યો હતો, લોકોએ તેના પર પ્રસાદની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના ઈસરના ઘરથી માંડ 400 મીટર દૂર બની હતી. ઘટના સ્થળ પર પ્રસાદ અને ખાવાની વસ્તુઓ પડી હતી.

ઈસારના પરિવારનું કહેવું છે કે સ્થાનિક લોકોએ તેને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. તેની બહેને કહ્યું, અમે જાણીએ છીએ કે તે ચોર નહોતો. તે કદાચ આસપાસ ફરતો હશે. મારો ભાઈ નિર્દોષ હતો. પરિવારનું કહેવું છે કે આરોપીઓ ઈસરને લગભગ 4 કલાક સુધી ટોર્ચર કરતાં રહ્યા.

પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે. તેમાં કમલ (23), તેનો ભાઈ મનોજ (19), તેનો કર્મચારી યુનુસ (20), કિશન (19), એક મજૂર પપ્પુ (24), ફેક્ટરીનો કામદાર અને મોમો સ્ટોલ ચલાવતા લકી નામના શખ્સનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button