વિધાનસભ્ય અપાત્રઃ નાર્વેકરના નિર્ણયના દસ્તાવેજો રજૂ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જૂથની શિવસેનાના વિધાનસભ્યોને પાત્ર ગણાવી તેમના જૂથને ખરી શિવસેના ઠરાવતો ચુકાદો આપ્યો હતો, જ્યારે તેને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડે નાર્વેકરના ચુકાદા ઉપર પ્રશ્ર્ન ઊભો કર્યો હતો. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે નાર્વેકરે લીધેલા ચુકાદાના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
ચંદ્રચૂડે જણાવ્યું હતું કે અપાત્રતાનો નિર્ણય વિધાનસભ્યોની બહુમતીના આધારે લેવામાં આવ્યો છે, પણ સવાલ એ છે કે શું ખરો પક્ષ ક્યો છે તે ફક્ત વિધાનસભ્યોની બહુમતીના આધારે નક્કી કરી શકાય? શું આમ કરવું સુપ્રીમ કોર્ટે સુભાષ દેસાઇના કેસમાં આપેલા ફેંસલાની વિપરીત નથી?
ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફથી આ સુનાવણીમાં વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત, કપિલ સિબ્બલ અને એ.એમ. સિંઘવી હાજર રહ્યા હતા. તેઓએ ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ પોતાની દલીલ રજૂ કરી હતી.