પત્નીને ટિકિટ ન મળતા વિધાન સભ્ય ભરત ચંદ્ર નારાએ કોંગ્રેસ છોડી
આગામી મહિનાની 19 તારીખથી લોકશાહીનું પર્વ -લોકસભાની ચૂંટણી શરૂ થઇ રહી છે. દરેક પાર્ટીઓ તેમના ઉમેદવારીની યાદીને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે અને જે ઉમેદવારોને ટિકિટ નથી મળી તેઓ બીજી પાર્ટીમાંથી ટિકિટ મેળવવામાં લાગ્યા છે અથવા તો પક્ષને વધુ મજબૂત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
આસામના લખીમપુર જિલ્લાના નૌબોઇચાના વિધાનસભ્ય ભરત ચંદ્ર નારાએ તેમની પત્નીને આગામી લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. લખીમપુર સંસદીય મતવિસ્તારમાંથી તેમની પત્ની અને ભૂતપૂર્વ સાંસદ રાની નારાને પાર્ટીએ ટિકિટ નકાર્યા પછી રાજીનામું આપી દીધું છે. નારાએ રવિવારે સાંજે AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. તેમણે ખડગેને સંબોધીને એક લીટીનો પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે હું તાત્કાલિક અસરથી રાજીનામુ આપું છું.
આપણ વાંચો: ઉત્તરાખંડમાં કોંગ્રેસને ઝટકોઃ ટિકિટ નહીં મળતા અસંતોષ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું
કોંગ્રેસના ચાર વિધાન સભ્ય શશિકાંત દાસ, સિદ્દીકી અહેમદ, કમલાખ્યા દે પુરકાયસ્થ અને બસંત દાસે હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની ભાજપ સરકારને ટેકો આપતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વિધાન સભ્ય શર્મન અલી અહેમદને “પાર્ટી વિરોધી” પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તેમાં BJPએ આસામમાં 14માંથી 7 બેઠક પર ચૂંટણી જીતી હતી અને કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)એ ત્રણ-ત્રણ બેઠક જીતી હતી. 2019માં BJPએ 9 બેઠક અને કૉંગ્રેસે 3 બેઠક પર અને AIUDFએ એક બેઠક જીતી હતી.