નેશનલ

‘વિદ્યાર્થીઓને NEETમાંથી મુક્તિ આપવામાં આવે’ MK સ્ટાલિને PM મોદી, 8 મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો

નવી દિલ્હી: પેપર લીક વિવાદ વચ્ચે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન(MK Stalin)એ ફરી એકવાર NEET પરીક્ષા (NEET examination) રદ કરવા અપીલ કરી છે. તેમણે વડા પ્રધાન મોદી(PM Modi)ને પત્ર લખીને રાષ્ટ્રીય સ્તરે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEET પરીક્ષા કાયમ માટે રદ કરવા માંગણી કરી છે.

રાજ્ય માટે NEETમાંથી મુક્તિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, મુખ્ય પ્રધાન સ્ટાલિને જણાવ્યું હતું કે પ્રોફેશનલ અભ્યાસક્રમો માટેની પસંદગી પ્રક્રિયા માટે અલગ પ્રવેશ પરીક્ષાના બદલે માત્ર 12મા ધોરણના માર્ક્સ દ્વારા જ હોવી જોઈએ, આવી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ પર વધારાનો તણાવ છે.

એમકે સ્ટાલિને પત્રમાં કહ્યું કે “આ સંબંધમાં, અમે તમિલનાડુને NEETમાંથી મુક્તિ આપવા અને 12મા ધોરણના માર્કસના આધારે મેડિકલ પ્રવેશ આપવા માટે અમારી વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પસાર કર્યું હતું. આ રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલવામાં આવ્યું છે પરંતુ તેમણે હજુ સંમતિ આપી નથી.”

તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ પત્ર લખીને ‘NEET માંથી વિધાર્થીઓને મુક્તિ’ માટેની તમિલનાડુની માંગને સમર્થન આપવા કહ્યું હતું.

સીએમ સ્ટાલિને રાહુલ ગાંધીને લખ્યું કે, “હું તમને આ ચિંતા અને તમિલનાડુની માંગને સંસદમાં અવાજ આપવા વિનંતી કરું છું અને INDIA ગઠબંધનમાં રહેલા રાજ્યોને સંબંધિત વિધાનસભાઓમાં સમાન ઠરાવો પસાર કરવા સૂચન કરું છું.”

તાજેતરની NEET પરીક્ષા દરમિયાન થયેલી ગેરરીતિઓને કારણે દેશભરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એમકે સ્ટાલિને પત્રમાં લખ્યું કે “અન્ય ઘણા રાજ્યોએ પણ આ પસંદગી પ્રક્રિયાને દૂર કરવાની જરૂરિયાત અંગે તેમના મંતવ્યો રજૂ કરવાનું શરૂ કર્યું છે.”

તમિલનાડુ વિધાનસભાએ શુક્રવારે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્ર સરકારને તામિલનાડુને NEETમાંથી મુક્તિ આપવા માટેના બિલને તેની સંમતિ આપવા વિનંતી કરવામાં આવી હતી.

દરમિયાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, પંજાબ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનોને સંબોધિત અલગ-અલગ પત્રોમાં, એમ કે સ્ટાલિને વિનંતી કરી છે કે તેઓ NEET નાબૂદ કરવા માટે તેમની સંબંધિત એસેમ્બલીમાં સમાન ઠરાવ પસાર કરવા પર વિચાર કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button