હિન્દી તો માત્ર મહોરું, ભાજપનો અસલી ઇરાદો સંસ્કૃત લાદવાનો છે: સ્ટાલિનનો ગંભીર આરોપ!

ચેન્નઈ: છેલ્લા કેટલાક મહિનાથી નેશનલ એજ્યુકેશન પોલિસી(NEP) અને થ્રી લેન્ગવેજ ફોર્મુલા મામલે તમિલનાડુની દ્રવિડ મુનેત્ર કઝગમ(DMK) સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ ઉભો થયો હતો. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તમિલનાડુ પર હિન્દી ભાષા થોપવાનો પ્રયાસ કરી રહી છે, જેનો કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે વળતો જવાબ આપ્યો હતો. હવે એમ કે સ્ટાલિને દાવો કર્યો છે કે ભાજપનો વાસ્તવિક હેતુ સંસ્કૃત લાદવાનો છે અને હિન્દી ફક્ત એક મહોરું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એમ કે સ્ટાલિને કહ્યું, “સંસ્કૃતને કરોડો રૂપિયા મળે છે; તમિલ અને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓને મગરના આંસુ સિવાય કંઈ મળતું નથી.” X પરની પોસ્ટમાં એમ કે સ્ટાલિને એક અહેવાલ પણ શેર કર્યો. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર તરફથી સંકૃત ભાષાના પ્રમોશન માટે ખુબ મોટું ભંડોળ મળે છે, જ્યારે દક્ષિણ ભારતીય ભાષાઓને ખુબ જ ઓછું ભંડોળ આપવામાં આવે છે.
અહેવાલમાં રાઈટ ટૂ ઇન્ફોર્મેશન(RTI) મારફતે મેળવવામાં આવેલા આંકડા આપવામાં આવ્યા. અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે વર્ષ 2014-15 અને 2024-25 વચ્ચે સંસ્કૃતના પ્રચાર માટે ₹2532.59 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન અન્ય પાંચ શાસ્ત્રીય ભારતીય ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિયાના પ્રચાર માટે માત્ર ₹147.56 કરોડ ખર્ચવામાં આવ્યા હતાં. આમ આ પાંચ ભાષા કરતા સંકૃત પર 17 ગણા વધુ નાણા ખર્ચવામાં આવ્યા હતાં. આ સમયગાળા દરમિયાન સંસ્કૃત માટે દર વર્ષે સરેરાશ ₹230.24 કરોડ અને અન્ય પાંચ માટે દર વર્ષે સરેરાશ ₹13.41 કરોડ ખર્ચવામાં આવ્યા.
પાંચ શાસ્ત્રીય ભારતીય ભાષાઓમાં સૌથી વધુ ભંડોળ તમિલ ભાષાને મળે છે. તમિલને સંસ્કૃતને મળતા ભંડોળના 5% કરતા પણ ઓછું ભંડોળ મળે છે, જયારે કન્નડ અને તેલુગુ દરેકને 0.5% કરતા ઓછું ભંડોળ મળે છે. ઉડિયા અને મલયાલમ દરેકને સંસ્કૃતને મળતા કુલ ભંડોળના 0.2% થી ઓછું ભંડોળ મળ્યું.
ગ્રાન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડિયન લેન્ગવેજ(GPIL) યોજના હેઠળ તમિલને વર્ષ 2004માં ₹113.48 કરોડ મળ્યા હતાં, જે વર્ષ 2005માં સંસ્કૃતના પ્રમોશન પર ખર્ચવામાં આવેલી રકમ કરતાં 22 ગણી ઓછી હતી.
આપણ વાંચો : તમિલનાડુમાં રાજ્યપાલની મંજૂરી વિના 10 કાયદાઓને લાગુ થઇ ગયા! સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર…