
આઈઝોલઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે લડી રહેલા 174 ઉમેદવારોમાંથી કુલ 112 ઉમેદવારો કરોડપતિ છે, જેમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્ય પ્રમુખ એન્ડ્રુ લાલરેમકીમા પચુઆઉ રૂ.69 કરોડની જાહેર સંપત્તિ સાથે સૌથી ધનિક વ્યક્તિ છે.
ઉમેદવારોની એફિડેવિટ મુજબ 64.4 ટકા ઉમેદવારોએ રૂ.1 કરોડ કે તેથી વધુની સંપત્તિ જાહેર કરી છે. આપના મિઝોરમના પ્રમુખ એન્ડ્રુ લાલરેમકીમા પચુઆઉ રૂ.68.93 કરોડની જાહેર સંપત્તિ સાથે સૌથી ધનિક છે. તેઓ આઈઝોલ નોર્થ-3 મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
પચુઆઉ પછી રૂ.55.6 કરોડની સંપત્તિ સાથે કોંગ્રેસના આર વનલાલાતલુઆંગા (સેરચિપ બેઠક) આવે છે, જ્યારે જોરામ પીપલ્સ મૂવમેન્ટના એચ ગિંજલાલા (ચંપાઈ ઉત્તર) રૂ.36.9 કરોડની જાહેર સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. તેમની એફિડેવિટ મુજબ તેમની આવકનો સ્ત્રોત બિઝનેસ છે. સેરછિપ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રામહલુન-એડેના સૌથી ગરીબ છે. તેમની પાસે રૂ.1500ની જંગમ સંપત્તિ છે.
16 મહિલા ઉમેદવારોમાંથી કોંગ્રેસના ઉમેદવાર મરિયમ એલ. રૂ.18.63 કરોડની સંપત્તિ સાથે (લુંગલી દક્ષિણ) સૌથી ધનિક છે. એમએનએફ પ્રમુખ અને મુખ્ય પ્રધાન જોરામથાંગા પાંચ પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોના પ્રમુખોમાં રૂ.5 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક છે.