મિથુન ચક્રવર્તીનો પાકિસ્તાનને સણસણતો જવાબ: અમારી ખોપડી છટકી તો સુનામી આવશે!

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા પછી હવે આ તણાવ ધીમે ધીમે ચરણસીમા પર પહોંચી રહ્યો છે. આ વચ્ચે જ્યારે જ્યારે પણ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને મોકો મળ્યો ત્યારે તેણે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપી વિવાદો ઊભા કર્યા છે.
તેણે સિંધુ નદી કરારને લઈને ભારતને ધમકી આપી હતી જેના જવાબમાં ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ખાસ કરીને જ્યારે પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીરે પણ ભારત વિરુદ્ધ ન્યુક્લિયર ધમકી આપી હતી. આ ઘટનાઓએ રાજકીય અને કૂટનીતિક ચર્ચાઓને ગરમાવો લાવ્યા છે.
મિથુન ચક્રવર્તીનો આકરો જવાબ
મિથુન ચક્રવર્તીએ બિલાવલ ભુટ્ટોની ધમકીઓનો કડક જવાબ આપતા કહ્યું કે જો પાકિસ્તાન આવી ભાષામાં બોલવાનું ચાલુ રાખશે તો ભારતનો ગુસ્સો ભડકી શકે છે. તેમણે કહ્યું, “જો અમારી ખોપડી છટકી તો સુનામી આવશે. એટલે અમે પણ એક પછી એક બ્રહ્મોસ મિસાઈલ ચલાવી દેશું.”
તેણે સિંધુ નદીના પાણીને લઈને આપેલી ધમકીઓનો પણ જવાબ આપતા વ્યંગાત્મક રીતે કહ્યું કે ભારત એક ડેમ બનાવશે અને 140 કરોડ લોકો તેમાં પેશાબ કરશે, જેનાથી પાકિસ્તાનમાં સુનામી આવી જશે. તેણે સ્પષ્ટ કર્યું કે ભારતની જનતાને પાકિસ્તાનની જનતા સાથે કોઈ વાંધો નથી, પરંતુ તેના નેતાઓની ઉશ્કેરણીજનક ભાષા સહન નહીં થાય.
બિલાવલ ભુટ્ટોનું ઉશ્કેરણીજનક નિવેદન
બિલાવલ ભુટ્ટોએ સિંધ સરકારના સાંસ્કૃતિક વિભાગના એક કાર્યક્રમમાં ભારત પર પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે પાકિસ્તાને હંમેશાં શાંતિની વાત કરી, પરંતુ ભારતે યુદ્ધની ભાષા બોલી. તેણે ધમકી આપતા કહ્યું કે જો ભારતે સિંધુ નદી કરારનુ ઉલ્લંઘન કર્યું તો પાકિસ્તાનના દરેક નાગરિક યુદ્ધ માટે તૈયાર છે અને ભારતની હાર નિશ્ચિત છે. ભારત માટે આ નિવેદન આક્રોશનું કારણ બન્યું છે, કારણ કે આ પ્રકારની ભાષા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ બગાડે છે.
પાકિસ્તાનના સૈન્ય વડાની ધમકી
આ પહેલા પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીરે અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતને ન્યુક્લિયર હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન પર કોઈ સંકટ આવશે તો તેઓ અડધી દુનિયાને પોતાની સાથે ખાડામાં લઈ જશે.
આ ધમકીએ પાકિસ્તાનની આક્રમક નીતિને ઉજાગર કરી છે, જે ભારત સાથેના તેમના તણાવપૂર્ણ સંબંધોને વધુ જટિલ બનાવે છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે, પરંતુ આવી ધમકીઓનો જવાબ આપવા માટે તે સૈન્ય અને કૂટનીતિક રીતે પણ તૈયાર છે.
ભારતે હંમેશાં શાંતિ અને કૂટનીતિક સંવાદનો માર્ગ અપનાવ્યો છે, પરંતુ પાકિસ્તાનની આક્રમક ભાષા અને ધમકીઓએ દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે. મિથુન ચક્રવર્તીના નિવેદનથી ભારતની આક્રમક સ્થિતિ સ્પષ્ટ થાય છે, જે દર્શાવે છે કે ભારત કોઈ પણ પડકારનો સામનો કરવા સક્ષમ છે.
સિંધુ નદી કરાર એક સંવેદનશીલ મુદ્દો છે, અને ભારતે આ મામલે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કર્યું છે. જોકે, પાકિસ્તાનના નેતાઓની આ ભડકાઉ ભાષા બંને દેશો વચ્ચેના તણાવને વધારી શકે છે, જેના દૂરગામી પરિણામો આવી શકે છે.