જગન મોહન રેડ્ડીના શાસનમાં જનતાના પૈસાનો થયો બેફામ દુરુપયોગ
આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઇ અને જગન મોહન રેડ્ડીની YSRCP પાર્ટીના બદલે ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીમાં TDPની નવી સરકાર આવી છે. નવી સરકાર આવ્યા બાદ પૂર્વ સીએમ અને YSRCP ચીફ જગન મોહન રેડ્ડી વિશે ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. YSRCPના શાસનમાં જનતાના પૈસાનો બેફામ દુરુપયોગ થયો હતો, જેની માહિતી રોજેરોજ બહાર આવી રહી છે, જેનાથી લોકો પણ ચોંકી ઉઠ્યા છે. વિશાખાપટ્ટનમ ખાતે તેમણે 500 કરોડ રૂપિયાના જંગી ખર્ચે વિશાળ મહેલ બનાવ્યો છે. રાજધાની અમરાવતી સહિત રાજ્યના દરેક જિલ્લામાં સરકારી જમીન પર પાર્ટી ઓફિસ બનાવી છે. હવે રેડ્ડીના વધુ એક કરતૂતનો ભંડાફોડ થયો છે.
TDP સરકારના ધ્યાનમાં આવ્યું છે કે જ્યારે તેઓ સીએમ હતા ત્યારે જગન મોહન રેડ્ડીની સુરક્ષા માટે 24 કલાક 986 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેતા હતા. હજુ સુધી તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પણ એમ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ચંદ્રાબાબુની સરકાર આ અંગે પગલાં લેશે.
આ પણ વાંચો : ચોથી વખત આંધ્રપ્રદેશના CM બન્યા ચંદ્રાબાબુ, પવન કલ્યાણ D.CM
જગન મોહન રેડ્ડીને કોની તરફથી ખતરો હતો એ તો ખબર નથી, પણ તેમની સુરક્ષા માટે SPGની તર્જ પર આંધ્રપ્રદેશ પોલીસના સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ (SSG)ની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત તેમની સુરક્ષા માટે 379 ટ્રેન સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આંધ્રપ્રદેશની એન્ટી ટેરર અને એન્ટી રાયોટ્સ કોમ્બેટ ટીમ ઓક્ટોપસના 439 એલિટ કમાન્ડો પણ તેમની સુરક્ષા માટે 24/7 તૈનાત હતા. અમરાવતીના તેમના નિવાસસ્થાન તાડેપલ્લી પેલેસને અભેદ કિલ્લામાં ફેરવવામાં આવ્યું હતું, જેમાં ઘરના મુખ્ય દરવાજા સુધી જવા માટે 48 ચેક પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા અને ચેકપોઇન્ટ અને ટ્રાફિક નિયમન માટે 116 પોલીસ કર્મચારીઓને લગાવવામાં આવ્યાહતા. મુખ્ય ઘરની સુરક્ષા માટે ઘરની ફરતે 30 ફૂટ ઉંચી લોખંડની દિવાલ બનાવવામાં આવી હતી.