Chinook chopper: ચિનૂક હેલિકોપ્ટરના મોડલ ગુમ થઇ ગયું! સંરક્ષણ મંત્રાલએ આપ્યો ખુલાસો
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે વર્ષ 2020માં ઉત્તર પ્રદેશના લખનઉમાં યોજાયેલા ડિફએક્સપો(DefExpo)માં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા રજુ કરવામાં આવેલું ચિનૂક હેલિકોપ્ટર(Chinook Helicopter)નું મોડલ ગુમ થઇ ગયું છે. સંરક્ષણ મંત્રાલયે શનિવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે DRDOએ લખનઉમાં હેલિકોપ્ટરનું કોઈ મોડલ લગાવ્યું જ ન હતું.
સંરક્ષણ મંત્રાલએ એક નિવેદનમાં જણાવ્યું કે “DefExpo 2020 દરમિયાન લખનઉ ખાતે DRDO દ્વારા સ્થાપિત ચિનૂક હેલિકોપ્ટર મોડલ ગુમ થવા અંગેના સમાચારો ભ્રામક છે.”
આ પણ વાંચો: દરિયામાં ગુપચૂપ રીતે DRDOએ કર્યું મિસાઇલનું પરીક્ષણ, 10 મહિના સુધી કોઇને ખબર પણ ન પડી..
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ચિનૂક બોઇંગ દ્વારા બનાવવામાં આવે છે અને DRDO એ ચિનૂક હેલિકોપ્ટરનું મોડેલ લખનઉ ખાતે રાખ્યું જ ન હતું. DefExpo2020 એ કોઈ અનિચ્છનીય ઘટના-મુક્ત પ્રદર્શન હતું અને એક્સ્પો દરમિયાન કોઈ ઉત્પાદન કે મોડલ ગુમ થયું ન હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લખનઉના વૃંદાવન યોજના વિસ્તારના સેક્ટર 20 ખાતે રાખવામાં આવેલું એક હેલિકોપ્ટરનું મોડલ જર્જરિત હાલતમાં હતું અને તેને સુરક્ષા કર્મચારીઓની ભલામણ બાદ હટાવી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાનના એક કાર્યક્રમ માટે શહેરની મુલાકાતે આવવાના હતા તેના માટે એ જગ્યા એ હેલિપેડ બનાવવાનું હતું.