ગરીબ યુવતીઓને ટાર્ગેટ કરતું ધર્માંતરણ રેકેટ: યુપીથી કેરળ સુધી ફેલાયેલા માસ્ટરમાઇન્ડની શોધખોળ…

પ્રયાગરાજઃ પ્રયાગરાજથી એક છોકરીને કેરળ લઈ જઈને તેનું ધર્મ પરિવર્તન કરાવીને તેને જેહાદી આતંકવાદી બનાવવાના કેસમાં પોલીસને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં તપાસ એજન્સીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સહિત એક મોટા ષડયંત્ર વિશે ઇન્પુટ મળ્યા છે.
આ સમગ્ર ઘટના પ્રયાગરાજના ફુલપુરની છે, જ્યાં 15 વર્ષની છોકરીને લાલચ આપીને કેરળ લઈ જવામાં આવી હતી અને જેહાદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બંને આરોપીની ધરપકડ કરી છે, પરંતુ તાજ મોહમ્મદ નામનો આરોપી ફરાર છે. હાલમાં એક ઈન્ટરનેશનલ ગેંગનો પર્દાફાશ થયો છે, જેનું નેટવર્ક કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે.
પીડિતાની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ આઠમી મેના તેના ગામની દારક્ષા બાનો નામની એક મહિલા તેની પુત્રીને પૈસાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગઈ હતી. દારક્ષા અને મોહમ્મદ કૈફ નામના યુવકો પહેલા છોકરીને પ્રયાગરાજ જંકશન લઈ ગયા હતા, જ્યાં રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી. આ પછી દારક્ષા છોકરીને દિલ્હી અને પછી કેરળના થ્રિસુર લઈ ગઈ હતી, જ્યાંથી તેને જેહાદી બનાવવાનું કાવતરું શરૂ થયું.
કેરળ પહોંચ્યા બાદ સગીર છોકરીની ઓળખાણ કેટલાક અજાણ્યા અને શંકાસ્પદ લોકો સાથે કરાવવામાં આવી. તેઓએ પહેલા છોકરીને પૈસાની લાલચ આપી. પછી તેઓએ બળજબરીથી તેનું ધર્માંતરણ કરાવ્યું. આખરે, તેના પર જેહાદી તાલીમ માટે દબાણ લાવવામાં આવ્યું. ડરી ગયેલી છોકરી કોઈક રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહી. થ્રિશુર રેલવે સ્ટેશન પહોંચ્યા પછી, તેણે ફોન પર તેની માતાને આપવીતી કહી.
કેરળ પોલીસને છોકરીને ત્રિશુર રેલ્વે સ્ટેશન પર હોવાની જાણ થઈ, જેમણે તેને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધી હતી. કેરળ બાળ કલ્યાણ સમિતિ તરફથી માહિતી મળતા, પીડિતાની મા એ ફુલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જે બાદ સ્થાનિક પોલીસે બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો અને બાળકીને શોધી કાઢી. હાલમાં, આરોપી દારક્ષા બાનો અને મોહમ્મદ કૈફની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ આ કેસમાં ફરાર અન્ય આરોપી તાજ મોહમ્મદને પકડવાનો સતત પ્રયાસ કરી રહી છે. પીડિતાને હંગામી ધોરણે વન સ્ટોપ સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં આ ષડયંત્રમાં હજી વધુ લોકો જોડાયેલા જણાય છે. પ્રયાગરાજ પોલીસના રડાર પર તાજ મોહમ્મદ નામનો એક યુવક પણ છે, જે આરોપી દારક્ષાનો મિત્ર હોવાનું કહેવાય છે. દારક્ષાના મોબાઇલ ફોનની તપાસમાં જાણવા મળ્યું કે પ્રયાગરાજથી કેરળ પહોંચ્યા ત્યાં સુધી તેણે તાજ સાથે ઘણી વખત વાત કરી હતી. તાજ પણ ફુલપુરનો રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કેરળમાં રહે છે. હવે કેરળ પોલીસે તેને શોધી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ ગરીબ વર્ગની છોકરીઓને નિશાન બનાવે છે. તેઓ લગ્નનું વચન આપીને અથવા પૈસાની લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવે છે, અને પછી તેમને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરે છે. આ કેસમાં ગંગાનગર ઝોનના ડીસીપી, કુલદીપ સિંહ ગુણવતે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર કાવતરા પાછળ એક સંગઠિત અને કટ્ટરપંથી ગેંગનો હાથ છે. ધરપકડ કરાયેલા આરોપીઓ દારક્ષા બાનો અને મોહમ્મદ કૈફ આ આંતરરાજ્ય ગેંગ સાથે સંકળાયેલા છે, જેનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ત્રણ ટીમો બનાવી છે, જે આ ગેંગના નેટવર્ક અને તેમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવા માટે સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ ઘટના એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે જ્યાં સગીરોને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ધકેલી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે અને પોલીસ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે દરેક એન્ગલની તપાસ કરી રહી છે. સર્વેલન્સના આધારે, શક્ય સ્થળોએ ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
ડીસીપી કુલદીપ સિંહ ગુણવતેના જણાવ્યા અનુસાર પોલીસે છોકરીના નિવેદન અને એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી છે. પીડિતાની કાનૂની પ્રક્રિયા ચાલુ છે. પીડિતાનું નિવેદન હજુ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવાનું બાકી છે. પીડિત છોકરી બાળ કલ્યાણ સમિતિની કસ્ટડીમાં છે. આ દરમિયાન, આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.