
નવી દિલ્હીઃ પહેલગામ આતંકી હુમલાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હવે આ કેસની તપાસ કરશે. એનઆઈએની ટીમ પહેલગામ પહોંચી ગઈ છે અને કામ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકી હુમલાની તપાસ કરવાની જવાબદારી એનઆઈએને સોંપી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એનઆઈએ સ્થાનિક પોલીસ પાસેથી પહેલગામ હુમલા સાથે જોડાયેલી કેસ ડાયરી અને એફઆઈઆરની કોપી પણ મેળવશે.
આતંકી હુમલાના તાર પંજાબ સાથે પણ જોડાયેલા છે?
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના તાર પંજાબ સાથે પણ જોડાયેલા છે. પંજાબના બે જિલ્લા અમૃતસર અને ફિરોઝપુરમાં એનઆઈએની ટીમો ત્રાટકી છે. એનઆઈની ટીમે પાંચ હોટલો તથા ફિરોઝપુરમાં એક હોટલ કારોબારીના ઘર પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એનઆઈએ દ્વારા આ કાર્યવાહી બંને જિલ્લામાં તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલા ફોન કોલ બાદ કરી છે. ટીમે હોટલોમાંથી રિકોર્ડ અને ફિરોઝપુરમાં હોટલ કારોબારીના મોબાઇલ અને લેપટોપ કબજામાં લીધા છે.
1500થી વધુ શંકાસ્પદોની ધરપકડ
હુમલા બાદ કાશ્મીર ઘાટીમાં 63 આતંકી ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે અને 1500થી વધુ શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. અનંતનાગથી જ 175 શંકાસ્પદોને પકડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીએ શ્રીનગર સહિત અનેક જગ્યા પર આતંકી તથા તેના સમર્થકોના ઠેકાણા પર દરોડા મારીને શંકાસ્પદોની અટકાયત કરી હતી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય 14 સ્થાનિક આતંકીઓનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ પાકિસ્તાની આતંકીઓનો સુરક્ષિત આશરો પૂરો પાડે છે.
આપણ વાંચો : ભારતીય સેનાની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરી હથિયારો જપ્ત કર્યા…