ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો: 6 મહિનામાં 30,000 ભારતીયો સાથે ₹1500 કરોડની ઓનલાઈન રોકાણ છેતરપિંડી…

ભારતમાં ઓનલાઈન રોકાણના નામે થતી છેતરપિંડીએ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગૃહ મંત્રાલયની સાયબર શાખાએ તાજેતરમાં જાહેર કરેલા અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં છેલ્લા છ મહિનામાં ૩૦ હજારથી વધુ લોકોને 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઠગાઈઓમાં મોટા શહેરો અને કામકાજી વયના લોકો વધુ પ્રભાવિત થયા છે, જે સાયબર અપરાધીઓની ચાલાકી અને ડિજિટલ માધ્યમોના દુરુપયોગને દર્શાવે છે.
ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C)ના અહેવાલ મુજબ, છેલ્લા છ મહિનામાં 30,000થી વધુ લોકો રોકાણના નામે ઠગાયા છે અને કુલ નુકસાન 1500 કરોડ રૂપિયા થયું છે. દરેક પીડિતને સરેરાશ 51.38 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, જે આ કૌભાંડોની જટિલતા અને મોટી રકમ સાથે જોડાયેલી હોવાનું દર્શાવે છે.
આ છેતરપિંડીના 65 ટકા કેસ માત્ર ત્રણ મહાનગરો – બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં નોંધાયા છે. બેંગલુરુમાં કુલ નુકસાનનો 26.38 ટકા હિસ્સો છે, જ્યારે દિલ્હીમાં પ્રતિ વ્યક્તિ સૌથી વધુ નુકસાન – સરેરાશ 8 લાખ રૂપિયા – થયું છે. આ શહેરો અજાણ રોકાણકારોને લક્ષ્ય બનાવવા માટે અપરાધીઓના મુખ્ય કેન્દ્રો બની ગયા છે.
પીડિતોમાં 76 ટકાથી વધુ લોકો 30થી 60 વર્ષની વયના છે, જે કામકાજી અને આર્થિક રીતે સક્ષમ વર્ગ છે. અપરાધીઓ તેમની નાણાકીય આકાંક્ષાઓનો ફાયદો ઉઠાવે છે. વરિષ્ઠ નાગરિકોમાં પણ 8.62 ટકા (લગભગ 2829 લોકો) પીડિત થયા છે, જે ડિજિટલ જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.
અપરાધીઓ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સનો 20 ટકા કેસમાં ઉપયોગ કરે છે, કારણ કે તેમાં ગ્રુપ બનાવવું અને સીધા સંદેશા મોકલવા સરળ છે. જ્યારે લિંક્ડઇન અને ટ્વિટર જેવા પ્લેટફોર્મનો ઉપયોગ માત્ર 0.31 ટકા કેસમાં થાય છે. અનૌપચારિક માધ્યમોને વધુ પ્રાધાન્ય મળે છે.



