રશિયા સાથેના સંબંધો પર વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા: “અમારા સંબંધોને કોઈ ત્રીજા દેશના દૃષ્ટિકોણથી જોશો નહીં”

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફની અસર આજથી સમગ્ર વિશ્વમાં જોવા મળશે. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ટેરિફનો આ દર અન્ય દેશો સાથે થયેલી ટેરિફ ડીલ કરતા વધારે છે. ભારત પર 25 ટકા ટેરિફ લાદવા પાછળ અમેરિકાએ રશિયા સાથેના સંબંધને જવાબદાર ગણાવ્યો છે. ત્યારે હવે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા રશિયા સાથે સંબંધો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
અમેરિકા સાથે સંબંધો મજબૂત થતા રહેશે
25 ટકા ટેરિફ લાદ્યા બાદ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ભારતના અર્થતંત્રને “મૃત” ગણાવ્યુું હતું. ટ્રમ્પના આ નિવેદનને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જવાબ આપ્યો છે.
રણધીર જયસ્વાલે ડૉનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓને ફગાવતા જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા બદલાવો અને પડકારોનો સામનો કરીને મજબૂત બન્યા છે. આ ભાગીદારી સહિયારા હિતો, લોકશાહી મૂલ્યો અને મજબૂત લોકોથી લોકોના સંબંધો પર આધારિત છે. ભવિષ્યમાં પણ આ સંબંધો સતત મજબૂત થતા રહેશે. એવો રણધીર જયસ્વાલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.”
ત્રીજા દૃષ્ટિકોણથી અમારા સંબંધોને ન જોશો
રશિયા પાસેથી ભારતે તેલ ખરીદવા મુદ્દે અમેરિકાના વાંધા અંગે જયસ્વાલે કહ્યું કે, “કોઈપણ દેશ સાથેના અમારા સંબંધો તેની યોગ્યતા પર આધારિત હોય છે અને તેને કોઈપણ ત્રીજા દેશના દૃષ્ટિકોણથી જોવા ન જોઈએ.”
રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું કે, “ભારત અને રશિયાની ભાગીદારી સ્થિર છે અને તે સમયની કસોટી પર ખરી ઉતરી છે. ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે, સરકારે બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પો અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.”
ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાને ‘મૃત’ ગણાવી
ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને દેશોની ટીકા કરતા લખ્યું હતું કે, “મને એ વાતની ચિંતા નથી કે ભારત રશિયા સાથે શું કરે છે. તે પોતાની મૃત અર્થવ્યવસ્થાઓને સાથે મળીને સમાપ્ત કરી રહ્યા છે. મને એનાથી કોઈ ફર્ક પડતો નથી. અમે ભારત સાથે બહું ઓછો વેપાર કર્યો છે, તેનો ટેરિફ ઘણો વધારે છે, દુનિયામાં સૌથી વધારે છે.”
ટ્રમ્પના આ નિવેદનને સમર્થન આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “મને એ વાતનો આનંદ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફેક્ટ સામે લાવીને મૂક્યા.”
આ પણ વાંચો…ભારતીયો માટે સારા સમાચાર, અમેરિકાના આઠ શહેરમાં નવા કોન્સ્યુલર સેન્ટર ખુલશે…