દિવાળી દરમિયાન હવાઈ મુસાફરોને રાહત! સરકારે ફ્લાઈટ ટિકિટના ભાવ અંગે આપ્યો આવો આદેશ

મુંબઈ: દર વર્ષે દિવાળીના તહેવારો નજીક આવતા વતન તરફ જવા કે ફરવા જવા માટે ફ્લાઈટની ટીકીટ બુકિંગમાં વધારો નોંધાતો હોય છે. માંગમાં વધારો થવાને કારણે ફ્લાઈટ ટીકીટના ભાવ આસમાને પહોંચી જતા હોય છે, જેના કારણે મુસાફરોનું બજેટ ખોરવાઈ જતું હોય છે. દિવાળીને આડે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારત સરકારે એરલાઈન્સને મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી મુસાફરોને રાહત મળશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ભારતની તમામ મોટી એરલાઇન્સને નિર્દેશ આપ્યો કે તહેવારોની સિઝન દરમિયાન ટિકિટ ભાવ વાજબી રાખવો.
મુસાફરોને તકલીફ નહીં પડે:
રામ મોહન નાયડુએ એર ઇન્ડિયા, ઇન્ડિગો અને અકાસા એર જેવી એરલાઇન્સના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન ફ્લાઈટ ઓપરેશન, મુસાફરોની ફરિયાદો અને સલામતી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ટીકીટના ભાવ અંગે પણ ચર્ચા થઇ હતી.
રામ મોહન નાયડુએ એરલાઈન્સને નિર્દેશ આપ્યા કે ફ્લાઈટ ટીકીટના ભાવ અચાનક વધવાથી મુસાફરોને અસુવિધા ન થઇ જોઈએ. એરલાઇન્સ દ્વારા વસુલવામાં આવતા ઊંચા ભાડા અંગે મુસાફરો ફરિયાદો નોંધાવી શકે એ માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એર સર્વિસ પોર્ટલને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
એરલાઇન્સે આપી ખાતરી:
એરલાઇન્સ જાહેર કરવામાં આવેલી રેટ લિમીટનું પાલન કરી રહી છે કે નહીં, તેનું નિરીક્ષણ કરવા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA) ના ટેરિફ મોનિટરિંગ યુનિટને નિર્દેશ આપવામાં આવ્યો છે
સિવિલ એવિએશન મિનિસ્ટ્રી રામ મોહન નાયડુ સાથે બેઠક દરમિયાન એરલાઇન્સે મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપવાની અને તહેવારોની માંગને પહોંચી વળવા માટે કેટલાક રૂટ્સ પર વધારાની ફ્લાઇટ ઉમેરવાની ખાતરી આપી.
એરલાઇન્સે જણાવ્યું કે મુસાફરી માટે મુસાફરોને વધુ વિકલ્પો મળી રહેશે. એરલાઇન્સે એવી પણ ખાતરી આપી છે કે કોઈપણ કિંમતે મુસાફરોને સુવિધા આપવામાં આવશે.