ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની વિદેશ મંત્રાલયે પણ સંજ્ઞાન લીધું છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગઈ કાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ ઘટના અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સવારે બેઠક બોલાવી હતી. તેમણે ડીજી અને સીપીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે થયેલા ઘર્ષણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમાંથી એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય આ મામલે ગુજરાત સરકારના સંપર્કમાં છે.અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ કેમ્પસમાં નમાઝ અદા કરવાને લઈને શરૂ થયો હતો. કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ અદા કરવાનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. ઘાયલ થયેલા બે વિદ્યાર્થીઓમાંથી એક તજાકિસ્તાનનો અને બીજો શ્રીલંકાના છે.
ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે લાકડીઓ અને ચાકુથી એક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ નમાઝ અદા કરી રહેલા આફ્રિકન દેશો, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હુમલો કરનારા અસામાજિક તત્વોએ જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કર્યો હતો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. પીડિત વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હોસ્ટેલના રૂમમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. લેપટોપ, એસી, કબાટ, ટેબલ, દરવાજા, મ્યુઝિક સિસ્ટમની તોડફોડ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ કેસ અંગે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા અને નિષ્પક્ષ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.
પોલીસ કમિશનર જી.એસ. મલિકના જણાવ્યા અનુસાર કેમ્પસમાં બે જુથો વચ્ચે મારામારી થયા બાદ પોલીસને 10.51 વાગ્યે બોલાવવામાં આવી હતી અને પોલીસની ટીમ 10.56 વાગ્યે પહોંચી હતી. રાજ્યના ગૃહમંત્રીના આદેશ પર આ ઘટનાની તપાસ માટે 9 ટીમો બનાવવામાં આવી છે. 4 ક્રાઈમ બ્રાન્ચ અને 5 ડીસીપીની ટીમ તૈયાર કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ડરવાની કોઈ જરૂર નથી. આ ઘટનાને લઈને ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં એક યુવકને થપ્પડ પણ મારવામાં આવી છે. રિપોર્ટ અનુસાર હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં સાત લોકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.