લોકસભાની ચૂંટણી લડ્યા વિના મોદી સરકારમાં મંત્રી બનનારા આ મહાનુભાવોને જાણો
નવી દિલ્હીઃ લાગલગાટ ત્રીજી વખત દેશમાં મોદી સરકાર આવી ગઇ છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કુલ 71 મંત્રીઓએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં 30 કેબિનેટ, પાંચ સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ 10 મંત્રીઓ ઉત્તર પ્રદેશના છે. આ પછી બિહારના આઠ સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણી ન લડનારા અનેક નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે.
તેઓ વિવિધ રાજ્યોમાંથી રાજ્યસભાના સભ્યો છે. તેથી જ તેમને મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી લડ્યા વિના જ મોદી સરકારની કેબિનેટમાં સ્થાન પામનારા આ પ્રધાનો વિશે જાણીએ.
અશ્વિની વૈષ્ણવઃ મોદી-2019ના રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે.
નિર્મલા સીતારમણઃ મોદી -2019ના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પણ ચૂંટણી લડ્યા નથી. તેઓ કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ છે.
રામદાસ આઠવલેએ પણ રાજ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ છે.
એસ. જયશંકર ઃ મોદી -2019ના પાંચ વર્ષમાં વિદેશ પ્રધાનની ભૂમિકા નિભાવી દેશવિદેશમાં ભારતના નામનો ડંકો વગાડનાર એસ. જયશંકર પણ લોકસભાની ચૂંટણી નથી લડ્યા. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ પણ લોકસભાની ચૂંટણી નથી લડ્યા.
ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સભ્ય હરદીપ સિંહ પુરીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ જયંત ચૌધરીને સ્વતંત્ર હવાલો સાથે રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
JDU (નીતીશ કુમારની પાર્ટી)ના ક્વોટામાંથી રાજ્યસભાના સાંસદ રામનાથ ઠાકુર મંત્રી બન્યા છે.