સિંધુ જળ સમજૂતી મુદ્દે ફેર વિચારણા માટે આજીજી કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નાપાક બોલ જાણો?

નવી દિલ્હી: પહલગામ હુમલાનો આકરો જવાબ આપતા ભારતે સિંધુ જળ સમજુતી સ્થગિત કરવા સહીત અનેક નિર્ણયો લીધા હતા. ત્યારબાદ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સરહદ પરનાં ભારે તણાવની વચ્ચે બંને દેશ 10મીએ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. જો કે ભારતનાં સિંધુ જળ સમજુતી સ્થગિત કરવાનાં નિર્ણયથી ભીંસમાં આવેલા પાકિસ્તાને ગઈકાલે ભારતને અ નિર્ણય પર ફેરવિચારણા કરવા પત્ર લખ્યો હતો. જો કે આ દરમિયાન પણ નાપાક પાકિસ્તાન સુધરે તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. યુદ્ધવિરામને લઈને પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
યુદ્ધવિરામને રવિવાર સુધી લંબાવવામાં આવ્યો
ભારતમાં યુદ્ધવિરામની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલ યુદ્ધવિરામ 18 મે, રવિવાર સુધી લંબાવવામાં આવ્યો છે. બંને દેશોની સેનાઓ વચ્ચે ટેલિફોન વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડારે દાવો કર્યો હતો કે બુધવાર અને ગુરુવારે બંને સેનાઓ વચ્ચે લશ્કરી વાતચીત થઈ હતી, જેના પછી આજે આ કરાર થયો હતો. પણ હવે એ પ્રશ્ન ઉઠ્યો છે કે આગળ શું થશે?
આની પાછળ એક પાકિસ્તાનની ઊંડી ચાલ?
જો કે યુદ્ધવિરામના પાંચ જ દિવસમાં ફરીથી આ મુદ્દે ચર્ચાઓ જાગી છે. અને એ વાત સાચી છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે ગુરુવારે યુદ્ધવિરામ પર આ વાત કહી હતી. અને તેમનાં નિવેદનના આધારે જ સમાચાર એજન્સીએ તે અંગેનો અહેવાલ આપ્યો છે. પણ પાકિસ્તાનના વિદેશ પ્રધાને આવું કેમ કહ્યું… આની પાછળ એક પાકિસ્તાનની ઊંડી ચાલ હોય તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. અને તે ચાલ ભારતને વાટાઘાટોના ટેબલ પર લાવવા અને સિંધુ કરારને આગળ ધપાવવાની હોય શકે છે.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનના DGMO હવે કઈ વાત પર થયા સહમત, વિગતવાર જાણો?
સિંધુ જળ સમજુતીનાં નિર્ણય પર વિચારણા કરવા અપીલ
પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા હતા. ભારતે 65 વર્ષ જૂની સિંધુ જળ સમજૂતીને રોકવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાન ભીંસમાં આવી ગયું છે. આ નિર્ણયને લઈને ગઈકાલે પાકિસ્તાને ભારતને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખીને અપીલ કરી હતી કે ભારતનું આ પગલું પાકિસ્તાનમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે અને ભારતને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો.
ભારતનું વલણ સ્પષ્ટ
ભારતનાં ઓપરેશન સિંદૂર બાદનાં તણાવ બાદ 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન બંને દેશ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ત્યારથી આજ પાંચમા દિવસ સુધી લશ્કરી અથડામણો બંધ થઈ ગઈ છે. જો કે વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે યુદ્ધવિરામ છતાં, ભારતનું વલણ સ્પષ્ટ છે. સરહદ પાર આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી સિંધુ જળ સમજૂતી સ્થગિત રહેશે. જયશંકરે એમ પણ કહ્યું કે યુદ્ધવિરામની શરૂઆત કોણે કરી હતી તે સ્પષ્ટ છે, જે દર્શાવે છે કે ભારત તેને તેની મજબૂત સ્થિતિનું પરિણામ માને છે.