નેશનલ

પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં લાખો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી, જાણો કેમ?

ગંગાસાગરઃ દેશભરમાં આજે મકરસક્રંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં લાખો લોકોએ સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી. પશ્ચિમ બંગાળમાં મકરસંક્રાંતિના પાવન પર્વે સોમવારે સવારે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓએ ગંગા નદી અને બંગાળની ખાડીના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી, એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ કપિલ મુનિ મંદિરમાં ડૂબકી મારવા અને પ્રાર્થના કરવા માટે ગંગાસાગર આવે છે. આ વર્ષે ૬૫ લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી છે, પરંતુ અત્યાર સુધીમાં ઘણા ઓછા યાત્રાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના જમાવડાને કારણે રાજ્ય સરકારે સાગર ટાપુ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. રાજ્ય પોલીસ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટ ગાર્ડના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
રાજ્યના ઉર્જા અને રમતગમત મંત્રી અરુપ બિસ્વાસે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે ૮ જાન્યુઆરીએ મેળો શરૂ થયો ત્યારથી રવિવાર બપોર સુધીમાં લગભગ ૬૫ લાખ શ્રદ્ધાળુઓએ ગંગાસાગર મેળાની મુલાકાત લીધી હતી. મેળામાં ૧૪,૦૦૦ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે તેમ જ યાત્રાળુઓને સાગર ટાપુ સુધી પહોંચાડવા માટે મોટી સંખ્યામાં જહાજોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગંગા સાગર સિવાય ઉતરાયણના દિવસ દરમિયાન ભગવાનને ખિચડીનો ભોગ ધરાવવામાં આવે છે, જ્યારે માઘી સ્થાન પહેલા પણ વારાણસી અને અલાહાબાદમાં સ્નાન કરવાનો મહિમા છે.

ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં આવેલા ગંગા નદીના સંગમમાં મકરસંક્રાંતિના સ્નાનો વિશેષ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ મોક્ષની મનોકામના સાથે ગંગાસાગરમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button