મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના: કૂવાની સફાઈ કરવા ઉતરેલા કર્મચારી બન્યા ભોગ, આઠના મોત

ખંડવા, મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશમાં એક હ્રદય કંપાવતી ઘટના બની છે. મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા કોંડાવત ગામમાં આ ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે અહીં ગણગૌર માતાના વિસર્જન માટે કુવો સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ વખતે કૂવામાંથી મિથેન ગેસનું લીકેજ હોવાથી 8 લોકોના મોત થયા હતા. ઘટનાને લઈને અત્યારે પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. એક સાથે 8 લોકોના મોત થતાં તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું અને આગળની તપાસ હાથ ધરી હતી.
જિલ્લા કલેક્ટરે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી
આ કરૂણ ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમની ઓળખ કરવામાં આવી છે. મોહન મનસારામ (પૂર્વ સરપંચ, ઉંમર 55 વર્ષ) , અનિલ આત્મારામ પટેલ (ઉંમર 30 વર્ષ), શરણ સુખરામ (ઉંમર 30 વર્ષ), અર્જુન ગોવિંદ (ઉંમર 35 વર્ષ), ગજાનંદ ગોપાલ (ઉંમર 25 વર્ષ), બલીરામ આશારામ (ઉંમર 36 વર્ષ), 22 વર્ષીય રાકેશ, 25 વર્ષીય અજયનું ઘટનામાં મોત થયું છે. મળતી જાણકારી પ્રમાણે મૃતકોના પરિવારજનો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે કૂવામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
કૂવામાં મિથેન ગેસ હોવાથી શ્વાસ ના લઈ શક્યા અને મોત થયું
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ કૂવો વર્ષોથી તહેવારોમાં મૂર્તિઓ અને પાણી વિસર્જન માટે ઉપયોગમાં લેવાતો હતો પરંતુ આ વખતે તે મોટા અકસ્માતનું કારણ બન્યો. કોંડાવત ગામમાં ગણગોર માતાની મૂર્તિઓનું વિસર્જન કરવાનું હતું. જેથી આજે ગ્રામજનોએ 150 વર્ષ જૂના સાર્વજનિક કૂવાની સફાઈ કરવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ કૂવામાં મિથેન ગેસ હોવાથી આ લોકો શ્વાસ ના લઈ શક્યા અને તેમનું મોત થઈ ગયું. અત્યારે આ ઘટનાને લઈને આખા ગામમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં. આ મામલે ખંડવા જિલ્લા પ્રશાસને આ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન કૂવામાં મિથેન ગેસ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ તમામનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. જેથી જિલ્લા કલેક્ટરે મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા સહાય આપવાની પણ જાહેરાત કરી છે. જ્યારે આગળની તપાસ હજી ચાલી રહી છે.