નેશનલ

પૂર્વ ભારતમાં હજુ પાંચ દિવસ ચાલુ રહેશે ગરમીનું મોજું, ઓડિશામાં અત્યાર સુધીમાં 36ના મોત, દિલ્હી-NCRમાં હળવો વરસાદ

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગના જણાવ્યું હતું કે દેશના પૂર્વી ભાગો, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશના અલગ-અલગ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ ચાલુ રહી શકે છે. બીજી તરફ ઓડિશામાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધીમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ હતી. રાજધાની અને આસપાસના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. તીવ્ર ગરમી બાદ આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ તરફથી જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગરમ ​​પવનો ફૂંકાયા હતા. મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. આ સમયગાળા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2-4 ડિગ્રી વધારે હતું. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સૌથી વધુ 46.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ઉપરાંત તમિલનાડુ અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. ઉત્તર-પૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો. તટવર્તી આંધ્રપ્રદેશ, રાયલસીમા, ઉત્તર આંતરિક કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તે જ સમયે, ઉત્તરાખંડ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ કરા પડ્યા હતા. IMD અનુસાર, આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

Read This…Monsoon 2024 : La Nina દેશમાં લાવી શકે છે તબાહી, બે મહિનામાં પડશે મુશળધાર વરસાદ

હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં યલો એલર્ટ વચ્ચે બુધવારે લાહૌલ-સ્પીતિ અને ચંબાના શિખરો પર ભારે હિમવર્ષા થઈ હતી. શિમલા અને કિન્નૌર, કુલ્લુ, ચંબા, સોલન અને કાંગડાના કેટલાક જિલ્લાઓ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો હતો. કુલ્લુ જિલ્લાના દલાશ, પાલમપુર અને કાંગડાના બૈજનાથમાં ભારે કરા પડ્યા હતા. રાજ્યમાં હવામાનમાં પલટો આવતાં ગરમીમાંથી થોડી રાહત મળી છે. જોકે, વરસાદ બાદ મેદાની જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.

ચાર અઠવાડિયાથી 40 ડિગ્રીથી વધુ તાપમાનનો પારો રહેતા ત્રાહિમામ પોકારી ઊઠેલા જમ્મુના લોકોને બુધવારે સાંજે 5.30 કલાકે પવન સાથે ભારે વરસાદથી રાહત મળી હતી. જમ્મુ-કાશ્મીરના અન્ય ભાગોમાં પણ વરસાદ અને કરા સાથે ધૂળભરેલા વાવાઝોડાને કારણે હવામાનમાં પલટો આવ્યો હતો. ખરાબ હવામાનને કારણે કટરા-સાંજીછટ હેલિકોપ્ટર સેવા પ્રભાવિત રહી હતી. કાશ્મીરમાં પણ બદલાયેલા હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની તીવ્ર લહેરની ચેતવણી આપી છે. આ વિસ્તારોમાં 9મી જૂન સુધી ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. 6 થી 9 જૂન સુધી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તી શકે છે. રાત્રે પણ ગરમીનો અનુભવ થશે અને ભેજનું પ્રમાણ પણ રહેશે.

ઓડિશા પણ ભારે ગરમીની ઝપેટમાં છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં હીટ વેવ અને અન્ય ગરમી સંબંધિત રોગોને કારણે 36 લોકોના મોત થયા છે. બુધવારે જારી કરાયેલા એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગરમી સંબંધિત બીમારીઓને કારણે 151 લોકોના મોત થયા છે, જેમાંથી 36 લોકોના મોત હીટવેવને કારણે થયાની પુષ્ટિ થઈ છે અને કેટલાક કેસના રિપોર્ટ આવવાના બાકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button