55 કરોડના ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સી અને અન્યોને અદાલતે આપી હંગામી રાહત…

મુંબઈ: કેનેરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ સામે ₹55.27 કરોડની છેતરપિંડીના આરોપસર ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી અને અન્યો સામે 2022માં થયેલા બેન્ક ફ્રોડ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે તેમનીઅને અન્યો સામે ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. અદાલતે નોંધ્યું હતું કે એસ્પ્લેનેડ કોર્ટે આરોપી સામે સમન્સ જારી કરતી વખતે તેના આદેશમાં વિસ્તૃત કારણો આપવામાં નિષ્ફળ રહી હતી.
ચોક્સીના વકીલ એડવોકેટ વિજય અગ્રવાલે ચોકસી અને સહ-આરોપી અનીયાથ નાયર વતી એસ્પ્લેનેડ કોર્ટના આદેશ સામે અરજી દાખલ કર્યા બાદ કોર્ટે કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો, જેમાં જણાવાયું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટે ‘વિચારપૂર્વક અરજી કર્યા વિના યાંત્રિક રીતે’ અને રેકોર્ડ પરના દસ્તાવેજોનો ઉપયોગ કર્યા વિના આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: મેહુલ ચોક્સીની મુશ્કેલીમાં વધારો, સેબીએ બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર જપ્ત કરવાનો આદેશ આપ્યો
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘આરોપનામું દાખલ કરવામાં આવ્યું એ જ દિવસે હજારો પાનાંના આરોપનામાને ધ્યાનમાં લીધા વિના તાબડતોબ આદેશ આપવામાં આવ્યો હતો.’ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કર્યા બાદ 17 એપ્રિલ, 2025ના રોજ, એસ્પ્લેનેડ કોર્ટે ચોક્સી અને પાંચ અન્યને આ કેસના સંદર્ભમાં સમન્સ જારી કર્યું હતું. આના બે દિવસ બાદ એસ્પ્લેનેડ કોર્ટે પણ ચોક્સી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
જુલાઈ 2022માં સીબીઆઈએ બેઝેલ જ્વેલરી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ સામે કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર દ્વારા દાખલ કરવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે, ચોક્સી, ચેતના જયંતીલાલ ઝવેરી, દિનેશ ગોપાલદાસ ભાટિયા અને મિલિંદ અનંત લિમયે તેમ જ અજાણ્યા પબ્લિક સર્વન્ટ્સ સામે એફઆઈઆર નોંધી હતી.
આ પણ વાંચો: પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ -ઇડીની ટીમ બેલ્જિયમ જશે
ફરિયાદમાં કંપની પર કપટપૂર્ણ વ્યવહારો કરવાનો અને બેંકોના ભંડોળને અન્યત્ર વાળવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સીબીઆઇની ચાર્જશીટ અનુસાર, કંપનીએ ચોક્સીની અન્ય એક કંપની ગીતાંજલિ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના કેશ ક્રેડિટ એકાઉન્ટમાં ઓવરડ્રાવિંગ ઘટાડવા માટે જ્વેલરીની નિકાસ સામે મળેલા સમગ્ર વિદેશી રેમિટન્સને ડાયવર્ટ કરી દીધા હતા.
ન્યાયમૂર્તિ જે પી દરેકરે ચોક્સી અને નાયર સામેના કેસમાં આગળની કાર્યવાહી પર 8 ઓગસ્ટ સુધી રોક લગાવી સીબીઆઈને બચાવ પક્ષના એડવોકેટની અરજીનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.