છેલ્લા 100 વર્ષથી કુંભમેળામાં જાય છે સ્વામી શિવાનંદ, જાણો કોણ છે?
પ્રયાગરાજઃ મહાકુંભ મેળામાં મહાનુભાવો, સાધુ સંતો અને દેશવિદેશથી લોકો આવી રહ્યા છે. સાધુ, સાધ્વી, બાબા અને યોગી મહાત્માઓ પણ અહીં પધારી રહ્યા છે. અહીં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર યોગગુરુ બાબા – સ્વામી શિવાનંદ પધાર્યા છે.
આ બાબા વિશે જણાવવાનું પ્રયોજન એટલું જ કે તેઓ છેલ્લા સો વર્ષથી પ્રયાગરાજ, હરિદ્વાર, નાશિક અને ઉજ્જૈન ખાતે યોજાતા દરેક કુંભમેળામાં નિયમિતપણે હાજરી આપે છે. બાબા શિવાનંદની ઉંમર 128 વર્ષની છે.
મહાકુંભમાં સેક્ટર 16માં એક શિબિરમાં તેઓ રોકાયા છે. તેમની શિબિરની બહાર લગાવવામાં આવેલા એક બેનરમાં તેમનું આધાર કાર્ડ પણ દર્શાવવામાં આવ્યું છે. આ આધાર કાર્ડ મુજબ તેમનો જન્મ 1896માં 8 ઑગસ્ટના રોજ થયો છે. રોજ સવારનો સમય સ્વામી શિવાનંદ તેમની શિબિરમાં એકાંતમાં ધ્યાન લગાવવામાં વીતાવે છે.
આપણ વાંચો: મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
સ્વામી શિવાનંદનો જન્મ દારૂણ ગરીબ પરિવારમાં થયો હતો. જ્યારે તેમના ગામમાં કોઇ સંત આવતા ત્યારે તેમના માતા-પિતા તેમની સેવામાં એ આશાએ તેમને મોકલી આપતા કે તેને કંઇક ખાવા તો મળશે. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમના માતાપિતાએ તેમને હંમેશ માટે ઓમકારાનંદ ગોસ્વામી મહારાજને સોંપી દીધા.
બાદમાં ગોસ્વામી મહારાજની આજ્ઞા પર તેઓ પરિવારને મળવા પાછા આવ્યા ત્યારે દુખદ બીના બની. તેમના આગમન બાદ તેમની બહેનનું અને ત્યાર બાદ એકાદ અઠવાડિયામાં તેમના માતાપિતાનું અવસાન થયું અને સ્વામી શિવાનંદજી અનાથ થઇ ગયા. ત્યાર બાદ ઓમકારાનંદ ગોસ્વામી મહારાજ તેમના પાલક બન્યા.
સ્વામી શિવાનંદ શિસ્તબદ્ધ જીવનશૈલી જીવે છે. માત્ર અડધું ભોજન ખાવાનું, રાતે 9 વાગે સૂઇ જવું, સવારે ત્રણ વાગે ઉઠી જવું અને સવારનો સમય યોગ ધ્યાનને સમર્પિત કરવો એ તેમનો નિત્યક્રમ છે. દિવસ દરમિયાન તેઓ નિંદ્રા લેવાનું ટાળે છે. તેમની આધ્યાત્મિક ક્ષમતાઓ અદભૂત છે, એમ જણાવતા તેમના શિષ્યએ એક ઘટના જણાવી.
આપણ વાંચો: Mahakumbh 2025: પવિત્ર મહાકુંભ મેળાનો દબદબાભેર પ્રારંભ, 1. 50 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
જ્યારે એક ભક્ત સ્વામી શિવાનંદબાબા પાસે આવ્યો અને જ્યારે તે ભૂખ્યો થયો ત્યારે બાબાએ તેને એક વાસણમાં ખીર પીરસી. ભક્તે ફરિયાદ કરી કે ખીર બહુ જ ઓછી છે. બાબાએ તેને ખાવા કહ્યું. ભક્ત ખાતો રહ્યો, તેનું પેટ ભરાઇ ગયું, પણ ખીર પૂરી નહીં થઇ. ભક્ત બાબાના પગમાં પડી ગયો અને કહ્યું ‘માફ કરો બાબા, તમને સમજવામાં હું નિષ્ફળ ગયો.’
સ્વામી શિવાનંદબાબાના એક ભક્ત જણાવે છે કે તેઓ પહેલી વાર 2010માં બાબાને ચંડીગઢમાં મળ્યા હતા. તેઓ છઠ્ઠા માળે રહેતા હતા, પણ એકદમ સ્ફૂર્તિથી સીડીઓ પર ઉતરચઢ કરતા હતા, કારણ કે લીફટ બંધ હતી.
સ્વામી શિવાનંદબાબાને મોદી સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ક્યારેય દૈાન સ્વીકારતા નથી કે કોઇ ઇચ્છા ધરાવતા નથી અને રોગમુક્ત છે. તેઓ તેલ,મીઠા વિનાનો બાફેલો ખોરાક લે છે. તેઓ દૂધ, દહીં, છાશ જેવા ડેરી પ્રોડક્ટને પણ હાથ નથી લગાવતા.
યુવાનોને સંદેશ આપતા વારાણસીના કબીર નગર ખાતે રહેતા સ્વામી શિવાનંદબાબા કહે છે કે દિવસ વહેલો શરૂ કરો. રોજ ઓછામાં ઓછો અડધો કલાક યોગને સમર્પિત કરો. આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવો, દરરોજ ચાલો.