યુપીના મેરઠમાં ગટર સાફ કરાવવા મહિલાએ રચ્યું બાળક ગુમ થવાનું તરકટ, જુઓ વાયરલ વીડિયો…

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને હરકતમાં લાવી દીધા હતા. સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યાઓ માટે કચેરીઓના ધક્કા ખાતા હોય છે, પરંતુ અહીં એક મહિલાએ તંત્ર પાસે કામ કઢાવવા માટે જે રસ્તો અપનાવ્યો તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે. બાળક ગુમ થયાની સંવેદનશીલ ફરિયાદ મળતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્થાનિક મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે તત્કાલ નગરપાલિકાના કર્મચારીઓ અને ભારે મશીનરી (JCB)ને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. ત્રણ કલાક સુધી ગંદી અને કચરાથી ભરાયેલી ગટરને સાફ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કામદારોએ જીવના જોખમે ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ કરી હતી, પરંતુ કલાકોની મહેનત બાદ પણ કોઈ બાળક મળી આવ્યું નહોતું.
આ સમગ્ર સર્ચ ઓપરેશનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગટરના ગંદા પાણીમાં કામદારો ઉતરીને તપાસ કરી રહ્યા છે. સ્થળ પર હાજર લોકો પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા હતા કે આટલી તપાસ છતાં બાળકના કોઈ સગડ કેમ નથી મળ્યા? સોશિયલ મીડિયા યુઝર્સે ગટર સાફ થયા પહેલાના અને પછીના ફોટા પણ શેર કર્યા છે, જે જોઈને આશ્ચર્ય થાય છે કે ગટર હવે એકદમ ચોખ્ખી દેખાઈ રહી છે.
સ્થાનિક અહેવાલો અને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે મહિલાએ જાણી જોઈને ખોટી ફરિયાદ કરી હતી. લાંબા સમયથી ગટર જામ હોવાને કારણે ગંદકી ફેલાતી હતી અને તંત્ર સાંભળતું નહોતું, તેથી મહિલાએ બાળક ગટરમાં પડ્યું હોવાનું નાટક રચ્યું હોવાની આશંકા છે. જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે શું ખરેખર મહિલાનો ઈરાદો ખોટો હતો કે પછી કોઈ ગેરસમજ થઈ હતી. જો આ ફરિયાદ ખોટી સાબિત થશે તો મહિલા સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.



