ED ના સમન્સને લઈને મીનાક્ષી લેખીનો કેજરીવાલને ટોણો, કહ્યું ‘મોદીજી તો 12 કલાક…’

નવી દિલ્હી: લીકર પોલિસી કૌભાંડને લઈને EDએ AAP ના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને 5 વાર સમન્સ પાઠવ્યું છે. (Kejariwal ED notice) પરંતુ કેજરીવાલે આ સમન્સને લઈને ન તો કોઈ જવાબ આપ્યો છે કે ED સમક્ષ નથી હાજર થયા. ભાજપ આ મામલે કેજરીવાલને નિશાને લઈ રહી છે. જેને લઈને કેન્દ્રિય મંત્રી અને BJP સાંસદ મીનાક્ષી લેખીએ કેજરીવાલને PM મોદીથી શિખામણ લેવાની સલાહ આપી છે.
જે તે વખતે PM નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા તે વખતે 2002ના ગુજરાતના રમખાણોને લઈને સ્પેશિયલ ટીમ પીએમ મોદીની લાંબા સમય સુધી પૂછપરછ કરતી હતી. તે સમયને યાદ કરતાં મંત્રી મીનાક્ષી લેખી અરવિંદ કેજરીવાલને સલાહ આપે છે. તે કહે છે કે,’ મોદીજી 12 કલાક સુધી બેસીને સવાલોના જવાબો આપતા હતા. તપાસ એજેન્સીઓનો સામનો આ રીતે કરવાનો હોય… કેજરીવાલની જેમ ભ્રષ્ટાચાર અને નાટક કરીને નહીં’ આ સાથે મીનાક્ષી લેખીએ દિલ્હી જલ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસની પણ ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે હજુ તો લીકર પોલિસીની તપાસ ચાલે છે ત્યાં જળ બોર્ડ અને સ્વાસ્થય વિભાગના કૌભાંડ સામે આવી ગયા છે. AAPએ દિલ્હીમાં 30 હજાર નવા બેડની વ્યવસ્થા અને દર 5 હજાર લોકો માટે 5 બેડ આપવાનું વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી.
આપને જણાવી દઈએ કે આ સિવાય AAPના ત્રણ વરિષ્ઠ નેતાઓ, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્વાસ્થ્ય સેવા એ કોઈપણ રાજ્યનું બેકબોન હોય છે, જેને કેજરીવાલ સરકારે બરબાદ કરવાનું કામ કર્યું છે.