
નવી મુંબઈ: કેન્દ્રીય અનાજ અને જાહેર વિતરણ વિભાગે આગામી ડિસેમ્બર મહિનામાં ખાંડના મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડનો જથ્થો છૂટો કર્યો હોવાની ગઈકાલે મોડી સાંજે જાહેરાત કરી હતી. તેમ છતાં ગઈકાલે ખાંડ મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૪૦૦થી ૩૪૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ હતા.
આમ મહારાષ્ટ્રના મથકો પરના મક્કમ અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ મિડિયમ ગ્રેડની ખાંડમાં મર્યાદિત માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૪૨નો ઘટાડો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. જાકે, આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૨થી ૩૭૦૦માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ખપપૂરતી માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા નબળી હોવાથી તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૪૨ના ઘટાડા સાથે રૂ. ૩૬૩૦થી ૩૮૫૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
Also Read – ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 453નું અને ચાંદીમાં રૂ. 435નું બાઉન્સબૅક
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૦૦થી ૩૫૬૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ટકેલા ધોરણે થયા હતા.