માનહાનિ કેસમાં મેધા પાટકરને ‘સુપ્રીમ’માંથી આંશિક રાહત: દોષિત ઠેરવ્યાં પણ દંડ રદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના દ્વારા દાખલ કરાયેલા ૨૫ વર્ષ જૂના માનહાનિ કેસમાં સામાજિક કાર્યકર મેધા પાટકરની સજા અને ગુનેગાર હોવાના ચુકાદાને યથાવત રાખ્યો હતો.
ન્યાયાધીશ એમ. એમ. સુંદરેશ અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે જણાવ્યું કે તેઓ આ કેસમાં દિલ્હી હાઇ કોર્ટના આદેશમાં દખલ કરવા માંગતા નથી, જેમાં પાટકરની સારી વર્તણૂકની અજમાયશ પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ દર ત્રણ વર્ષે એક વાર ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાનું ફરજિયાત હતું.
આ પણ વાંચો: 20 વર્ષ જૂના માનહાનિના કેસમાં મેધા પાટકર દોષિત, દિલ્હીના LG વીકે સક્સેનાએ કર્યો હતો કેસ
ખંડપીઠે વધુમાં જણાવ્યું કે જો કે અરજદારના વકીલની દલીલોને ધ્યાને લઇને લાદવામાં આવેલો દંડ રદ કરવામાં આવે છે અને અમે એ પણ સ્પષ્ટ કરીએ છીએ કે દેખરેખનો આદેશ અસરકારક રહેશે નહીં. હાઇ કોર્ટે ૨૯ જુલાઇના રોજ ૭૦ વર્ષીય પાટકરની સજા અને ગુનેગાર હોવાના ચુકાદાને યથાવત રાખ્યો હતો. સક્સેનાએ આ કેસ ૨૫ વર્ષ પહેલા દાખલ કર્યો હતો જ્યારે તેઓ ગુજરાતમાં એક એનજીઓનાં વડા હતા.
હાઇ કોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટના તારણોમાં ગેરકાયદેસરપણું અથવા ભૌતિક અનિયમિતતા હતી. તેમ જ કહ્યું કે પુરાવા અને લાગુ કાયદા પર યોગ્ય વિચારણા કર્યા બાદ દોષિત ઠેરવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે પાટકર અનુસરવામાં આવેલી પ્રક્રિયામાં કોઇ ખામી અથવા કાયદામાં કોઇ ભૂલ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે, જેના પરિણામે ન્યાયહત્યા થઇ છે. હાઇ કોર્ટે સજાના આદેશને પણ માન્ય રાખ્યો હતો, જેમાં પાટકરની સારી વર્તણૂકની અજમાયશ પર મુક્ત કરવામાં આવ્યા હતા અને કહ્યું કે તેમાં કોઇ દખલગીરીની જરૂર નથી.