મધ્યપ્રદેશ સરકારનો હિન્દીમાં MBBS પ્રોજેક્ટ ફેઈલ! ત્રણ વર્ષમાં એક પણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી

ભોપાલ: કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ અભ્યાસ માતૃભાષામાં પણ મળી રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. MBBSનો અભ્યાસ હિન્દી ભાષામાં થઇ શકે એ માટે મધ્યપ્રદેશમાં પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો, જો કે તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટમાં સફળતા મળી નથી. વિદ્યાર્થીઓ હિન્દીમાં અભ્યાસ માટે રસ નથી દાખવી રહ્યા, ત્રણ વર્ષમાં એક પણ વિદ્યાર્થીએ હિન્દીમાં પરીક્ષા આપી નથી.
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે 12 ઓક્ટોબર 2022 ના રોજ મધ્યપ્રદેશમાં હિન્દીમાં MBBS કોર્સની શરૂઆત કરાવી હતી. આ સાથે MBBS કોર્સ સ્થાનિક ભાષામાં શરુ કરનાર મધ્યપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી: હિન્દી ફરજિયાત ત્રીજી ભાષા
સરકારે 10 કરોડ રૂપિયા ખર્ચે અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો હિન્દી ભષામાં અનુવાદ કરાવ્યા અને છપાવ્યા. પરંતુ ત્રણ વર્ષમાં એક પણ વિદ્યાર્થીએ પરીક્ષા માટે હિન્દી પસંદ કરી નથી. વિદ્યાર્થીઓ અંગ્રેજી પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
અહેવાલમાં આપેલી માહિતી મુજબ અભ્યાસક્રમ હિન્દીમાં હોવા છતાં કોલેજના અધ્યાપકોની શિક્ષણ આપવાની રીતમાં બહુ ફેરફાર થયો નથી.
મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2022 માં દાવો કર્યો હતો કે હિન્દીમાં અભ્યાસ શરૂ કરવાથી મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છતા હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને ફાયદો થશે. પરંતુ ત્રણ વર્ષ બાદ એવું બનતું જણાઈ રહ્યું નથી.
જોકે, કેટલા મેડિકલ વિદ્યાર્થીઓએ હિન્દી ભાષામાં પરીક્ષા આપી છે, તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.