કદાચ અમે સરકારને ઇરિટેટ કરી દીધી: ઇન્ડિયા ભારત વિવાદ પર રાહુલનું કેન્દ્ર સરકાર પર નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશનું નામ ઇન્ડિયા બદલીને ભારત રાખવાની અટકળો વચ્ચે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ફ્રાંસમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે શું કોઇ પ્રસિદ્ધ નામને બદલીને કોઇ નવું નામ રાખવાનો કોઇ અર્થ છે? એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી સરકાર દેશનું નામ બદલી શકે છે.
રાહુલ ગાંધીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે, “જુઓ બંધારણમાં 2 નામનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત અને ઇન્ડિયા બંને નામ બંધારણ મુજબ સાચા છે. બંધારણમાં લખ્યું છે કે ઇન્ડિયા-કે જે ભારત છે, રાજ્યોનો એક સંઘ છે. આથી મને તો આમાં કંઇ વાંધાજનક લાગતું નથી. ઇન્ડિયા અને ભારત બંને નામ સ્વીકાર્ય છે.”
આટલું કહીને તેઓ ચૂપ થઇ જાય છે, પછી કહે છે કે, “પરંતુ મને લાગે છે કે કદાચ આપણે આપણા ગઠબંધનનું નામ ‘ઇન્ડિયા’ રાખીને સરકારને હેરાન કરી છે. આથી આ આખો વિવાદ સર્જાયો છે. અને હવે તેઓ દેશનું નામ જ બદલવા જઇ રહ્યા છે.”
“તમે સમજી શકતા હશો કે સ્થિતિ શું છે, મારો કહેવાનો અર્થ એ છે કે અમે અમારા ગઠબંધનને બીજું નામ પણ આપી શકીએ છીએ.. પરંતુ આ સમસ્યાનો ઉકેલ નથી. લોકો વિચિત્ર રીતે કામ કરતા હોય છે. મહત્વનું એ છે કે અમારા ગઠબંધન સાથે જોડાયેલા રાજ્યનો અવાજ સામે આવવો જોઇએ. આજના સમયમાં કોઇનો અવાજ દબાવી શકાય તેમ નથી.” રાહુલે જણાવ્યું.