
મુઝફ્ફરનગરઃ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો લોકોને આકર્ષવા અવનવી જાહેરાતો કરતા રહે છે જેમ કે ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ આજે અહીંની એક ચૂંટણી સભાને સંબોધતા પશ્ચિમી ઉત્તર પ્રદેશને અલગ રાજ્ય બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હાઈ કોર્ટ બેન્ચ સ્થાપવાની પણ જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું હતું કે અમારી પાર્ટી ઓછું બોલવાનું અને કામ કરવામાં વધુ વિશ્વાસ કરે છે, તેથી અમે કોઈ ઘોષણા પત્ર જાહેર કરતા નથી.
બસપાનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર અને રાજ્યોમાં ભાજપની સરકાર છે, ભાજપની સરકારમાં તપાસ એજન્સીઓનું રાજકારણ થઈ રહ્યું છે. તેમની સરકારમાં જાતિવાદ અને સાંપ્રદાયિક્તા ફેલાઈ છે. તેમની સરકારમાં નાટકબાજી, નારાબાજી અને ગેરંટી કામ કરતી નથી, ભાજપની વિચારધારા જાતિવાદી છે.
આ સાથે જ બસપાનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં મારા નેતૃત્વમાં 4 વખત સરકાર બની છે. અમારી સરકારમાં કોમી રમખાણો નહોતા થયા, પરંતુ સપા સરકારમાં જાટ અને મુસ્લિમ સમુદાયને એકબીજાની વચ્ચે લડાવવામાં આવ્યા અને સમાજમાં ભાગલા પડી ગયા. અહીં અમે અત્યંત પછાત સમુદાયના સભ્યને ટિકિટ આપી અને આ બેઠક પર અમે મુસ્લિમ સમુદાય અને જાટ સમુદાય વચ્ચે ભાઈચારો બનાવ્યો હતો. હું મુઝફ્ફરનગરથી મુસ્લિમ સમુદાયમાંથી ઉમેદવાર ઊભો કરવા માગતી હતી, પરંતુ મુસ્લિમ સમુદાયમાંથી કોઈ ચૂંટણી લડવા તૈયાર નહોતું.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024ને લઈને ઉત્તર પ્રદેશમાં આ પહેલી રેલી છે અને આ રેલી દ્વારા તેમણે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. અગાઉ તેમના ભત્રીજા આકાશ આનંદે પણ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. યુપીની 80 સીટો પર તેમણે તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે, તેમણે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નથી.