BSPના આ સાંસદને માયાવતીએ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા…
નવી દિલ્હી: BSP સુપ્રીમોએ સાંસદ દાનિશ અલી વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. BSP દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ કોઈ નિવેદન ન આપો પરંતુ તેમ છતાં તેમણે સતત પાર્ટી વિરુદ્ધ આવી બધી વાતો કરી છે.
ભાજપના સાંસદ રમેશ બિધુડીના કેસ બાદ બસપા સતત દાનિશ અલીની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. પરંતુ દાનિશ અલી પક્ષની વિચારધારાથી સાવ અલગ જ નિવેદનો આપતા હતા. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથેની તેમની નિકટતા અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. સંસદના મુદ્દાને કારણે 22 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ દાનિશ અલીને પણ મળ્યા હતા. તેમની આ બેઠક બાદ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
BSPએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દાનિશ અલીને ટિકિટ આપતા પહેલા એચડી દેવગૌડાએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ હંમેશા બહુજન સમાજ પાર્ટીની તમામ નીતિઓનું પાલન કરશે અને પાર્ટીના હિતમાં કામ કરશે. ત્યારબાદ તેમને BSPનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. પાર્ટીએ તેમને અમરોહાથી ચૂંટણી જીત્યા બાદ લોકસભામાં મોકલ્યા હતા પરંતુ તેમણે આપેલા આશ્વાસનને ભૂલીને તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવા લાગ્યા હતા. તેથી હવે પક્ષના હિતમાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર 2023માં સંસદના વિશેષ સત્ર દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુડીએ દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ અનેક મુખ્ય વિપક્ષી દળોના નેતાઓએ તેમનું સમર્થન કર્યું હતું. નોંધનીય છે કે દાનિશ અલીએ આઠ ડિસેમ્બરના રોજ TMC નેતા મહુઆ મોઇત્રાના પક્ષમાં સંસદની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.