સેલિબ્રિટી ‘માયા’ ગાયબ! તાડોબાની જાણીતી વાઘણ ખોવાઇ ગઇ છે? વનવિભાગે હાથ ધરી શોધખોળ
ચંદ્રપૂર: તાડોબા ટાઇગર રીઝર્વનું આકર્ષણ ગણાતી જાણીતી માયા વાઘણ છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ હોવાની ચર્ચા થઇ રહી છે. માયા વાઘણ તેનો એરિયા છોડીને બીજે ક્યાંક નિકળી ગઇ છે કે શું? જેની શોધખોળ વનવિભાગ કરી રહ્યું છે. 1 ઓક્ટોબરથી ટાઇગર રિઝર્વ ફરીથી પર્યટકો માટે શરુ થયું છે. ત્યાર બાદ હવે માયા ગાયબ થઇ હોવાની ચર્ચાઓ શરુ થઇ ગઇ છે.
આ અંગે વાત કરતાં તાડોબા ટાઇગર રિઝર્વના રિજનલ ડાયરેક્ટર જિતેન્દ્ર રામગાવકરે કહ્યું કે, તાડોબા ટાઇગર રિઝર્વ પર્યટકો માટે 30મી સપ્ટેમ્બર સુધી બંધ હતું. તેથી કર્મચારીઓનું ઇન્સ્પેક્શન પણ ઓછું થઇ ગયું હતું. હવે 1 ઓક્ટોબરથી પર્યટકોની આવવાની શરુઆત થઇ ગઇ છે. શરુઆત થતાં જ જાણીતા વાઘ અને વાઘણ આપણને દેખાઇ જાય એવી અપેક્ષા કરવી એ ખરેખર ખોટું છે.
ટાઇગર રિઝર્વનો વિસ્તાર લગભગ 1700 કિલો સ્ક્વેર કિલોમીટર છે. જેમાં 100 થી વધુ વાઘ છે. ત્યારે એકાદ વાઘ ન દેખાય તો તે ગાયબ છે અથવા એવી કોઇ શંકા વ્યક્ત કરવી યોગ્ય નથી. અમારી મોનિટરીંગ સિસ્ટમને થોડા દિવસનો સમય આપો. અમે આ અંગે કામ કરી રહ્યાં છે. આખા વિસ્તારમાં કેમેરા ટ્રેપ લગાવ્યો છે.
તેમાં આ વાઘણને જો બચ્ચા થયાં હશે, અથવા તો કોઇ કારણ કે ફેક્ટરને કારણે વાઘણ તેનું ક્ષેત્ર છોડીને ગઇ છે કે શું એ પણ જોવું પડશે. ઓછામાં ઓછા 25-30 દિવસ સિસ્ટમેટિક ટ્રેસિંગ બાદ જ કઇ પણ ખબર પડી શકશે. ત્યાં સુધી કોઇ પણ તારણ પર પહોંચવું યોગ્ય નથી એમ તેમણ જણાવ્યું હતું.
વાઘનું જીવન ખૂબ જ મૂશ્કેલ હોય છે. તે 10-15 વર્ષ જીવે છે. અહીં વાઘને સંઘર્ષ કરવો પડે છે. કારણ કે નવા નવા વાઘ આવે છે. વાઘ વચ્ચે લડાઇ થાય છે. વાઘણને બચ્ચા થઇ શકે છે. આવા અનેક કારણો હોઇ શકે છે. અમારી સીસ્ટમ કામ કરી રહી છે. જ્યારે આ અંગે અમને કોઇ ઠોસ જાણકારી મળશે ત્યારે અમે તે બધા સાથે શેર કરીશું એમ પણ જિતેન્દ્ર રામગાવકરે કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, માયા વાઘણની ઉંમર 13 વર્ષની છે. જંગલમાં એક વાઘ 12 થી 15 વર્ષ જીવી શકે છે. ત્યારે કદાચ આ વાઘણનું કુદરતી મૃત્યુ પણ થયું હશે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જલ્દી જ માયા વાઘણ પર્યટકોને જોવા મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.