‘આજે ભલે શપથ લઈ લો…’ શપથ બાદ તેજસ્વી યાદવની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું ‘ખેલ તો હજુ બાકી છે’
છેલ્લા ઘણા દિવસથી બિહારમાં ચાલતી રાજકીય ઉથલપાથલનો આજે અંત આવ્યો છે અને નીતીશ કુમારે NDA સાથે ગઠબંધન કરીને, આ નવી સરકારમાં નવમી વાર બિહારના મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા છે. પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન RJD નેતા તેજસ્વી યાદવનું એક નિવેદન બહાર આવ્યું છે.
RJD નેતા અને પૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે કહ્યું કે ‘નીતિશ કુમારનું પહેલા પણ સન્માન કરવામાં આવતું હતું. આજે પણ છે. તેમના ધારાસભ્યોની સંખ્યા 45 છે. શા માટે અમે ક્રેડિટ ન લઈએ? તેઓ (નીતીશ કુમાર) પહેલા કહેતા હતા કે નોકરી આપવી શક્ય નથી. આ સાથે સ્પોર્ટ્સ પોલિસી લાવી. 70 દિવસમાં 2 લાખથી વધુ નોકરીઓ આપી.’
વધુમાં તેઓ કહે છે કે ‘સરકારના 17 મહિનામાં તેમણે ઘણું કામ કરાવ્યું. આ થાકેલા મુખ્યમંત્રી છે. ખેલ તો હજુ શરૂ થયો છે. ખેલ તો હજુ બાકી છે. હું જે કહું તે કરું છું. 2024માં JDUનો સફાયો થઈ જશે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારો, આરોગ્ય, રોજગાર, પોલીસ લાવવી, આ તમામ કામ કર્યા.’
અમે લોકોએ રાત ફરીને પણ કામ કર્યા છે. આજે ભલે આ લોકો શપથ લઈ લે, પરંતુ કેટલા દિવસ ટકશે તે નક્કી નથી.
તેજસ્વી કહે છે કે પોતે ઈમાનદારીથી કામ કર્યું છે. કેબિનેટે બે લાખ નોકરીઓની ફાઇલ રોકી રાખી છે. હજુ તો ખેલ બાકી છે. અમે મહા ગઠબંધન ઘણી જ આશા સાથે બનાવ્યું હતું. ભાજપના નેતાઓના નિવેદન પર તેઓ બોલ્યા કે કોઇની પ્રતિક્રિયા પર તો શું બોલવું? જનતા તેનો જવાબ આપશે. અમારી સાથે રહીને નીતીશ કુમાર મંચ પરથી કેટલાય કામ ગણાવતા હતા. અમારી સાથે આવીને જ આ બધુ શરૂ થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે જે વિઝન સાથે આવ્યા હતા, એ જ વિઝન સાથે લોકો વચ્ચે પાછા જઈશું. શું આજ સુધી કોઈ સરકારે આટલા બધા નિમણૂક પત્રો આપ્યા છે? આ પછી જ કેન્દ્ર સરકારે આપવાનું કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ ‘INDIA’ ગઠબંધનના ભવિષ્ય પર તેમણે કહ્યું કે ‘INDIA’ ગઠબંધન મજબૂત છે. જનતા જવાબ આપશે.