
બરેલી: ‘I Love Muhammad’ પોસ્ટરને લઈને સમગ્ર ભારતમાં વિવાદ છેડાયો છે. જેને લઈને ઘણા રાજ્યોમાં રમખાણો પણ સર્જાઈ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના બરેલી ખાતે જુમ્માની નમાજ બાદ રમખાણો ફાટી નીકળી હતી. બરેલી પોલીસે આ રમખાણો માટે જવાબદાર મૌલાના તૌકીર રજાની ધરપકડ કરી છે. તદુપરાંત આ કેસમાં કેટલી પ્રગતિ થઈ છે? આવો જાણીએ.
બરેલીમાં કેવી રીતે ભડકી હિંસા
‘I Love Muhammad’ના વિવાદને લઈને દેશમાં ઘણી જગ્યાએ મુસ્લિમ સમુદાય દ્વારા રેલીઓ નીકળી હતી. બરેલીમાં પણ મૌલાના તૌકીર રજા આ અંગે યોજના બનાવી રહ્યો હતો. જેની જાણ બરેલી પોલીસને થઈ ગઈ હતી. તેથી પોલીસે બરેલી શહેરમાં BNSની કલમ 163 લાગૂ કરી દીધી હતી. સાથોસાથ પોલીસની પરવાનગી વગર કોઈ કાર્યક્રમનું આયોજન ન કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ આ જાહેરનામાનો ભંગ કરીને મૌલાના તૌકીર રજાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને જુમ્માની નમાજ બાદ લોકોને ભેગા થવાનું આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો: યોગીનો હુંકાર, બરેલીના મૌલાના ભૂલી ગયા કે યુપીમાં કોની સરકાર છે
મૌલાના તૌકીર રજાની યોજના પ્રમાણે 26 સપ્ટેમ્બર 2026ને શુક્રવારના રોજ જુમ્માની નમાજ પૂરી થયા બાદ 80-90 ટકા લોકો પોતાનો ઘરે ચાલ્યા ગયા હતા. પરંતુ કેટલાક લોકો મસ્જિદની બહાર રોકાઈ ગયા હતા. તેમણે ભેગા થઈને ઇસ્લામિયા ઇન્ટર કોલેજ તરફ જવાની પ્રયાસ કર્યો હતો. જ્યારે આ લોકોએ કાયદાનો તથા શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ પોલીસે મૌલાના તૌકીર રજાને નજરબંધ કર્યો હતો. સાથોસાથ 50થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
મૌલાના સામે નોંધાઈ 7 FIR
આજે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને બરેલીમાં થયેલી રમખાણોની અપડેટ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા 7 દિવસોથી બરેલીમાં હિંસા ભડકાવવાના ષડયંત્રની તૈયારી ચાલી રહી હતી. બરેલીમાં જુમ્માની નમાજ બાદ પોલીસ ફોર્સ સાથેની અથડામણોના પ્રયાસને લઈને ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC)ના વડા મૌલાના તૌકીર રઝા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ 10 FIR દાખલ કરવામાં આવી છે. જે પૈકીની 7 FIR મૌલાના તૌકીર રઝા સામે નોંધવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ચાકુ, તમંચા, બ્લેડ અને પેટ્રોલની બોટલ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.