લક્ષદ્વીપ અને માલદિવ્સનો વિવાદ કંઈ શમવાનું નામ નથી લઈ રહ્યું અને વધુને વધુ લોકો લક્ષદ્વીપના સમર્થનમાં આવી રહ્યા છે. રાજકારણીઓ, બોલીવૂડના સેલિબ્રિટીઝથી લઈને તમામ મોટા માથાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લક્ષદ્વીપના સમર્થનમાં આવ્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. આ નામ છે ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું.
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર સહિત મોટી મોટી હસ્તીઓએ પણ માલદીવના પ્રધાનોના વિવાદાસ્પદ નિવેદનની ટીકા કરીને લક્ષદ્વીપનું સમર્થન કર્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે. આવો જોઈએ લક્ષદ્વીપના સમર્થનમાં શું કર્યું માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરે…
ક્રિકેટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે મહારાષ્ટ્રના કોંકણમાં આવેલા સિંધુદુર્ગમાં મારો 50મો જન્મદિવસ મનાવતા 250થી વધારે દિવસ પસાર થઈ ગયા છે. કિનારાના શહેરો આપણને ઘણું બધું આપે છે, જે આપણને જોઈએ એનાથી કંઈક કરતાં કંઈક અનેકગણું વધારે. ભારતને સુંદર સમુદ્ર તટ અને પ્રાચીન દ્વીપોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ પોસ્ટમાં સચિન તેંડુલકરે સમુદ્ર કિનારે ક્રિકેટ રમતા વીડિયો પણ શેર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ માલદીવમાં ચીન સમર્થિત સરકાર આવ્યા બાદ ભારત અને માલદિવ્સના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. માલદીવની આ નવનિર્વાચિત સરકાર ચીનની સમર્થક છે અને ભારતને ત્યાંથી પોતાની સેના હટાવવાના નિર્દેશ પણ આપ્યા હતા ત્યાર બાદથી મામલો વધારે ગંભીર થતો ગયો છે અને આ વિવાદમાં લોકો પીએમ મોદીને સમર્થન આપવાની સાથે સાથે માલદીવનો બોયકોટ કરવાની અપીલ પણ કરી રહ્યા છે.