Char dham: ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ, યમુનોત્રી માર્ગ પર ભારે ટ્રાફિક જામ
યમુનોત્રી ધામ: દેવભૂમિ ઉત્તરાખંડ(Uttarakhand)ના ચાર ધામોમાં જેનો સમવેશ થાય છે એવા કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દ્વારા ખુલતાની સાથે જ દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એવામાં યમુનોત્રી માર્ગ પર શ્રદ્ધાળુઓની ભીડ એટલી બધી હતી કે પોલીસને અપીલ કરવી પડી કે આજે વધુ શ્રદ્ધાળુઓ આ તરફ ના આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય તૃતીયાના તહેવાર પર શુક્રવારે જ ત્રણેય ધામોના દ્વાર ખોલવામાં આવ્યા હતા, જ્યારે બદ્રીનાથના દરવાજા આજે રવિવારે સવારે ખોલવામાં આવ્યા હતા. યમુનોત્રીધામમાં દર્શન માટે પ્રથમ દિવસે લગભગ 32 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભક્તોની સંખ્યા વધતાં પોલીસે ચેતવણી જાહેર કરી હતી. ભીડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. તંત્ર સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
જો કે અધિકારીઓ કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, બધું બરાબર છે, ક્યાંય કોઈ સમસ્યા નથી. આ ઉપરાંત પોલીસ અધિકારીએ કહ્યું કે યાત્રાળુઓએ આજ માટે તેમની યાત્રા હાલ પુરતી મુલતવી રાખવી જોઈએ અને બીજા દિવસે તેમના દર્શનનું આયોજન કરવું જોઈએ.
રવિવારે સવારે ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી. જેમાં લખવામાં આવ્યું હતું કે, “આજે, ક્ષમતા મુજબ પર્યાપ્ત સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે શ્રી યમુનોત્રી ધામ પહોંચ્યા છે. હવે વધુ ભક્તોનું અહિયાં આવવું જોખમી છે. આજે યમુનોત્રીની યાત્રાએ જઈ રહેલા તમામ ભક્તોને આજે યમુનોત્રીજીની યાત્રા મોકૂફ રાખવા નમ્ર અપીલ છે.”
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ યાત્રા ધામોના દ્વાર ખોલવાના અવસર પર તમામ શ્રદ્ધાળુઓને અભિનંદન પાઠવ્યા હતા, તેમણે દેશ વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓને આમંત્રણ પાઠવ્યું હતું. સાથે સાથે તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્રને સહકાર આપવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.