ટોપ ન્યૂઝનેશનલ

તમિલનાડુમાં ક્રૂડ ઓઈલની માલગાડીમાં વિકરાળ આગ: રેલવે વ્યવહાર ખોરવાયો, જુઓ ભયાવહ દ્રશ્યો!

ચેન્નઈ: આજે રવિવારે વહેલી સવારે તમિલનાડુના તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન નજીક એક ક્રૂડ ઓઇલ લઇને જતી માલગાડીના ચાર ટેન્કરમાં આગ ફાટી (Major fire in crude oil train tankers Tamilnadu) નીકળી હતી. આ ઘટના ચેન્નઈ-અરક્કોનમ રૂટ પર બની હતી, જેને કારણે વ્યસ્ત માનવામાં આવતા આ રૂટ પર ટ્રેન સર્વિસ ખોરવાઈ ગઈ હતી.

આગ કેટલી વિકરાળ હતી તેનો અંદાજ ઘટનાના ફોટો અને વિડીયો જોઈને આવી શકે છે, આગને કારણે ઉઠેલો કાળો ધુમાડો દુર દુર સુધી ફેલાયો હતો. ચારેય ટેન્કર ભરેલું ક્રૂડ ઓઇલ લાંબા સમય સુધી સળગતું રહ્યું. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મોટી દુર્ઘના ટળી:

અહેવાલ મુજબ આ ઘટના શહેરથી દૂર એક વિસ્તારમાં બની હતી, પણ રેલ્વે ટ્રેકની બાજુમાં જ એક સોસાયટી હોવાથી ભાગદોડ મચી ગઈ હતી. અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરી નજીકમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતાં, જેને કારણે એક મોટી દુર્ઘના ટળી છે.

હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી. વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ અને ફાયર સર્વિસ ટીમો સ્થળ પર સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે. તિરુવલ્લુર જિલ્લા વહીવટીતંત્રે લોકોને અસરગ્રસ્ત વિસ્તારથી દૂર રહેવા સલાહ આપી છે, જેથી કર્મચારીઓના કામમાં અવરોધ ન આવે. આગ લાગવાનું કારણ જાણવા માટે ટૂંક સમયમાં તપાસ શરૂ કરવામાં આવશે.

ટ્રેન વ્યવહાર ખોરવાયો:

આ માલગાડીમાં ક્રૂડ ઓઇલના ભરેલા 45 ટેન્કર હતાં, ગાડી ચેન્નઈના એન્નોરથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે સવારે 5 વાગ્યાની આસપાસ તિરુવલ્લુર નજીક એગટ્ટુર વિસ્તારમાં પહોંચતા ટ્રેનના ટેન્કરના આગ ફાટી નીકળી હતી. સુરક્ષાના કારણોસર રેલ્વે અધિકારીઓએ ચેન્નાઈ-અરક્કોનમ રેલ્વે રૂટ પર ટ્રેન ટ્રાફિક અટકાવી દીધો હતો. રૂટ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવતા ઘણી પેસેજર અને માલવાહક ટ્રેન મોડી પડી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રૂટ ફરી કાર્યરત કરવા કામ ચાલુ છે, અને સામાન્ય ટ્રેન કામગીરી વહેલી તકે ફરી શરૂ થશે.

વિડીયો વાયરલ:
પહેલા એક ટેન્કરમાં લાગી હતી, જે જોતજોતામાં અન્ય ત્રણ ટેન્કમાં ફેલાઈ ગઈ, સદભાગ્યે આગ વધુ ટેન્કર સુધીના ફેલાઈ. આ આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button