Viral Video: નોએડાની ગર્લ્સ હોસ્ટેલના એસીમાં લાગી ભીષણ આગ, વિદ્યાર્થિનીઓ જીવ બચાવવા કૂદી…

નોએડા: ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનાં ગ્રેટર નોએડાની ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. એસી કોમ્પ્રેસર ફાટવાથી આગની ઘટના બાદ હોસ્ટેલની છોકરીઓએ જીવ બચાવવા બીજા માળેથી કૂદકો મારતી હોય તેવો ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર નોએડામાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગુરુવાર સાંજે અહીં સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે આખા કેમ્પસમાં ધુમાડાનાં ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. ફાયર વિભાગની ટીમે હોસ્ટેલની અંદર ફસાયેલી 160 વિદ્યાર્થિનીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. લગભગ એક કલાકમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
જુઓ વિડીયો
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થિનીઓ કૂદીને પોતાનો જીવ બચાવી રહી છે. આ ઘટનામાં ઘણી વિદ્યાર્થિનીઓને ઇજાઓ પહોંચી હતી. એવો આરોપ છે કે ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ મોડી પહોંચી હતી. હાલમાં, હોસ્ટેલમાં લાગેલી આગની તપાસ ચાલી રહી છે. હોસ્ટેલને ફાયર વિભાગ તરફથી NOC મળ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ
શું કહ્યું ઓફિસર પ્રદીપ કુમાર ચૌબેએ?
ચીફ ફાયર ઓફિસર પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની ઘટનાનાં કારણે હાજર છોકરીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલના બીજા માળે એક રૂમમાં લગાવેલા એસી કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી.