મસૂદ અઝહરનો નવો ઓડિયો વાયરલ: હજારો ફિદાયીન તૈયાર હોવાનો દાવો અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું…

ઇસ્માલાબાદઃ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ફરી ચર્ચામાં આવ્યો છે. સંગઠનના વડા મસૂદ અઝહરનો એક કથિત ઓડિયો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. આ ઓડિયોમાં તે પોતાના આતંકીઓને ઉશ્કેરતા અને સંગઠનની તાકાતનું પ્રદર્શન કરતા સંભળાય છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ પ્રકારના સંદેશા પાછળનો હેતુ ભારતીય સેનાના વધતા દબાણ સામે આતંકીઓનો ઘટી રહેલો ઉત્સાહ વધારવાનો હોઈ શકે છે.
વાયરલ થયેલા આ ઓડિયોમાં મસૂદ અઝહર દાવો કરી રહ્યો છે કે તેની પાસે હજારોની સંખ્યામાં આત્મઘાતી હુમલાખોરો (ફિદાયીન) તૈયાર છે. તે કહે છે કે તેના આતંકીઓ વૈભવી સુવિધાઓ, ઘર, ગાડી કે આઈફોન જેવી કોઈ વસ્તુની માંગ નથી કરતા, પણ માત્ર ‘શહાદત’ ઈચ્છે છે. અઝહરે ઓડિયોમાં એવી પણ બડાઈ કરી છે કે જો તે આ આતંકીઓની સાચી સંખ્યા જાહેર કરી દે, તો વિશ્વભરના મીડિયામાં ખળભળાટ મચી જશે. તે આતંકીઓ તેને પત્રો લખીને જલ્દી હુમલા માટે મોકલવાની ભલામણ કરતા હોવાનું પણ કહી રહ્યો છે.
સુરક્ષા નિષ્ણાતોના મતે આ ઓડિયો મસૂદ અઝહરની માનસિક હતાશા દર્શાવે છે. તાજેતરમાં ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાનમાં જૈશના અનેક ઠેકાણાઓ પર કરેલી કડક કાર્યવાહી અને સંગઠનના ટોચના સભ્યોના સફાયા બાદ આ સંદેશ સામે આવ્યો છે. જ્યારે પણ કોઈ આતંકી સંગઠન પર દબાણ વધે છે, ત્યારે તેઓ આવા ઉશ્કેરણીજનક વીડિયો કે ઓડિયો જાહેર કરીને પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ કરતા હોય છે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર મુદ્દે જૈશ કમાન્ડરનો મોટો ખુલાસોઃ મસૂદ અઝહરના પરિવારનો થયો સફાયો
નોંધનીય છે કે વર્ષ 2019માં બહાવલપુર સ્થિત તેના ઠેકાણા પર થયેલા બોમ્બ ધડાકા બાદ મસૂદ અઝહર જાહેરમાં જોવા મળ્યો નથી. તે સતત અજ્ઞાત સ્થળે છુપાયેલો છે અને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી આવા સંદેશા મોકલતો રહે છે. જોકે, આ વાયરલ ઓડિયો કયા સમયનો છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તેની ભાષા અને અંદાજ પરથી તે જૈશ-એ-મોહમ્મદની જૂની પદ્ધતિ મુજબ ડર ફેલાવવાનો એક નિષ્ફળ પ્રયાસ હોવાનું જણાય છે.



