શહીદ દીકરા માટે માતાનો અનોખો પ્રેમ: ઠંડીથી બચાવવા પ્રતિમાને ઓઢાડ્યો ધાબળો, વીડિયો જોશો તો આંખો ભીની થશે

જમ્મુઃ બીએસએફની 173મી બટાલિયનમાં ગુરનામ સિંહ નામનો કોન્સ્ટેબલ હતો. જેઓ ઓક્ટોબર 2016માં ઘૂસણખોરો સામે પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. આતંકવાદીઓ સામે થયેલી અથડામણમાં ગુરનામ સિંહે શહાદત વહોરી હતી. જોકે, ગુરનામ તો શહીદ થયો, પરંતુ માતા માટે તેમનો દીકરો આજે પણ હયાત છે.
આ વાતને સાબિત કરતી અને માનો પ્રેમ દર્શાવતી એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હાડ થીજાવતી ઠંડીમાં લાડલા શહીદ દીકરાની પ્રતિમાને બ્લેન્કેટ ઓઢાડી દીધો હતો, જે વીડિયો જોઈને લોકો ભાવુક થયા હતા.
દર શિયાળામાં કાંબળો ઓઢાવે છે માતા
21 ઓક્ટોબર 2016ના હીરાનગર સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુરનામે તેમનો સામનો કર્યો હતો અને એક આતંકવાદીને ઠાર કર્યો હતો. જોકે, આ અથડામણમાં ગુરનામનું શરીર પણ આતંકીઓની ગોળીઓથી ઘવાયું હતું. પરિણામે 22 ઓક્ટોબર 2016ના ગુરનામનું અવસાન થયું હતું. આ શહાદતના માનમાં જમ્મુના અર્નિયા ખાતે ગુરૂનામ સિંહની એક પ્રતિમા મૂકવામાં આવી છે, જેને તેની માતા જસવંત કૌરે જીવંત દીકરા જેટલો જ પ્રેમ વરસાવતા ધાબળો ઓઢાડી દીધો હતો.
શિયાળાની ઋતુ ચાલી રહી છે. એવા સમયે જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડી પડી રહી છે. એવા સમયે જસવંત કૌર પોતાના દીકરાની પ્રતિમાને ઉનનો કાંબળો ઓઢાવવા પહોંચી હતી. જસવંત કૌરે દીકરાની પ્રતિમાને વ્હાલ કરીને ધાબળો ઓઢાવ્યો હતો. આ દૃશ્ય જોનારની આંખોમાં આંસુ લાવી દે તેવું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દેશ તેનો પહેલો પ્રેમ હતો
ઉલ્લેખનીય છે કે, ગુરનામ સિંહની પ્રતિમાને ધાબળો ઓઢાવવાનો ઘટનાક્રમ વર્ષ 2022થી ચાલી રહ્યો છે. દર શિયાળાની શરૂઆતમાં જસવંત કૌર પોતાના દીકરાની પ્રતિમાને ધાબળો ઓઢાવવા આવે છે. આ ધાબળો એક કાપડનો ટુકડો નથી, તે માતાની મમતાનું કવચ છે. જેને દુશ્મનની કોઈ ગોળી ભેદી શકતી નથી.
પોતાના દીકરાને યાદ કરતા જસવંત કૌર જણાવ્યું હતું કે, હું જ્યારે ગુરનામને છેલ્લીવાર મળી હતી, ત્યારે તેના લગ્નનું સપનું જોયું હતું. વિચાર્યું હતું કે, હવે પછી જ્યારે તે રજા પર ઘરે આવશે, ત્યારે ઘરમાં શરણાઈ વાગશે, પરંતુ ગુરનામના દિલમાં તો કંઈક અલગ જ હતું. વાસ્તવમાં પહેલો પ્રેમ તો વરદી અને દેશ હતો.



