લગ્ન થયા હોય કે નહી પણ…. સહમતિથી સેક્સ ખોટો ન કહેવાય, દિલ્હી હાઇ કોર્ટ
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે બળાત્કાર સાથે જોડાયેલા એક કેસમાં સુનવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે જો બે પુખ્ત વયની વ્યક્તિ સહમતિથી જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો તેઓને ખોટા કામ માટે જવાબદાર ફેરવી શકાય નહીં. કોર્ટે બળાત્કારના કેસમાં યુવકને જામીન આપ્યા છે આ દરમિયાન કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જાતીય અપરાધો સાથે જોડાયેલા ખોટા કેસો આરોપીની છબીને કલંકિત કરે છે
જસ્ટિસ અમિત મહાજન આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજના નીતિ નિયમો એમ સૂચવે છે કે આદર્શ રીતે જાતીય સંબંધો લગ્નના માળખામાં જ થવા જોઈએ, પરંતુ જો બે પુખ્ત વયના લોકોની વૈવાહિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જો બંને વચ્ચે સહમતિથી જાતીય સંબંધ બંધાય તો તેઓને કોઈ ખોટા કામ માટે જવાબદાર ફેરવી શકાય નહીં.
કોર્ટે નોંધ્યું હતું કે જાતીય અપરાધોના ખોટા કેસો આરોપીની છબીને કલંકિત કરે છે અને સાચા કેસોની વિશ્વસનીયતાને પણ નષ્ટ કરે છે. બળાત્કારના કેસમાં કોર્ટે યુવકને જામીન આપ્યા હતા. અહેવાલો અનુસાર મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે યુવકે તેની સાથે ઘણી વખત બળજબરીપૂર્વક સેક્સ કર્યો હતો અને તેણે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું
મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને પાછળથી ખબર પડી હતી કે આરોપી પરિણીત છે અને તેના બે બાળકો છે. મહિલાનો દાવો છે કે યુવક તેની પાસેથી ગિફ્ટ માંગતો હતો અને મહિલાએ તેને 1.5 લાખ રૂપિયા રોકડા પણ આપ્યા હતા. કોર્ટનું કહેવું છે ઘટના સમયે મહિલા પુખ્ત વયની હતી અને ફરિયાદ પક્ષ એ સાબિત કરી શક્યો નથી કે મહિલાએ લગ્નના વચનથી પ્રભાવિત થઈને સેક્સસંબંધ બાંધ્યો હતો કે નહીં. કોટે એ પણ નોંધ્યું હતું કે પીડિતા મહિલાને જ્યારે જાણ થઈ કે આરોપી પરિણીત છે, ત્યાર પછી પણ તેણે તેની સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો.