Maratha Reservation: જરાંગેના ગામમાં પથ્થરમારો, બે જણ સામે ગુનો

છત્રપતિ સંભાજી નગર: મરાઠા આરક્ષણ (Maratha Reservation) માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેના મહારાષ્ટ્ર્ના બીડ જિલ્લાના ગામમાં કેટલાક લોકોએ નારાબાજી અને પથ્થરમારો કરતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેમને અટકમાં લઈ બીજા 15 – 20 જણ સામે પણ ગુનો નોંધ્યો છે એમ સંબંધિત અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
આ ઘટના ગઈકાલે રાત્રે માતોરી ગામમાં બની હતી જેને પગલે સત્તાધીશોએ શાંતિ જળવાઈ રહે એ આશય સાથે રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ)ની એક ટુકડી તૈનાત કરી હતી એવી જાણકારી પણ અધિકારીએ આપી હતી.
ઓબીસીના ક્વોટા માટે આંદોલન ચલાવી રહેલા લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારેની સભામાં હાજર રહેવા નજીકના ગામના કેટલાક લોકો માતોરી ગામમાંથી પસાર થયા ત્યારે આ અનિચ્છનીય ઘટનાનો પ્રારંભ થયો હતો. એ સમયે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે બસ સ્ટેન્ડ નજીક પથ્થરમારો થયો હતો.
આ પણ વાંચો : મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ ફરી શરૂ કર્યા
જોકે, નારાબાજી કોણે શરૂ કરી અને પથ્થરમારો કોણે કર્યો એ તરત સ્પષ્ટ નહોતું થયું. તણાવ વધી જતા પોલીસે મધ્યસ્થી કરી હતી અને બે વ્યક્તિને અટકમાં લીધી હતી એવી જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી. બીડ જિલ્લાના ચકલાંબા પોલીસ સ્ટેશનમાં 15 – 20 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. માતોરી ગામમાં હવે પરિસ્થિતિ અંકુશ હેઠળ છે એવી માહિતી પણ આપવામાં આવી હતી.