Sikkimમાં વરસી રહી છે આકાશી આફતથી અમદાવાદ અને વડોદરાના અનેક પ્રવાસીઓ ફસાયા
નવી દિલ્હી: દેશમાં હવે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે પણ ભારતના પૂર્વનું રાજ્ય સિક્કિમ હાલ ભારે આકાશી કોપનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને ઓછામાં પૂરું સાથે થઈ રહેલ ભૂસ્ખલનના લીધે ભારે મુશ્કેલી સર્જી છે. હાલ અહી બહારથી આવેલા પ્રવાસીઓ પણ આ કુદરતી કોપથી ભારે પ્રભાવિત થયા છે.
સિક્કિમમાં હાલ આકાશી આફતે ભારે નુકસાની વેરી છે. અહી સતત છેલ્લા ચાર દિવસથી એકધારો વરસાદ પડી રહો છે તો સાથે જ તેના લીધે અહી અનેક સ્થળોએ ભૂસ્ખલન પણ થયું છે. અત્યાર સુધીમાં લગભગ 9 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ છે. કુદરતી આફતના અનેક લોકોએ તેમના ઘર ગુમાવ્યા છે તો અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા છે. હાલ વીજળી, નેટવર્ક, અનાજ, દવાઓ સહિતની પ્રાથમિક જરૂરિયાત પણ લોકોને મળી રહી નથી.
આ દરમિયાન સિક્કિમમાં 1200થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. તેમાં લગભગ 28થી વધુ ગુજરાતી પ્રવાસીઓ ત્યાં ફસાયા હોવાની વિગતો છે. અમદાવાદના 20 જેટલા પ્રવાસીઓ હાલ સિક્કિમના પ્રવાસે છે અને હાલ ત્યાંનાં હવામાનના લીધે તેઓ ત્યાં જ ફસાયા છે. આથી પરિજનોમાં ચિંતાનો માહોલ છે.
વડોદરાના પણ 9 જેટલા લોકો હાલ સિક્કિમમાં ફસાયા છે. વડોદરાનો રાણા પરિવાર પણ તેમના 9 સભ્યો સાથે સિક્કિમ ફસાયો છે. તેઓ 7 જૂનના રોજ સિક્કિમ ફરવા ગયા હતા. તો વળી ત્રણ દીસવથી આ પરિવારનો સંપર્ક પણ થઈ શક્ય નથી, આથી તેમના પરિવારમાં પણ હાલ ચિંતા વ્યાપી છે.