બિહારમાં મતદાર યાદીમાં ગોટાળા પર ગોટાળાઃ એક પછી એક અજીબ કિસ્સા આવી રહ્યા છે બહાર | મુંબઈ સમાચાર

બિહારમાં મતદાર યાદીમાં ગોટાળા પર ગોટાળાઃ એક પછી એક અજીબ કિસ્સા આવી રહ્યા છે બહાર

પટનાઃ બિહારની ચૂંટણી પહેલા મતદારોની યાદી મામલે ભારે બબાલ થઈ રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં થતી કથિત ધાંધલીને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો છે અને સંસદથી લઈ રસ્તા સુધી આ મુદ્દે વિપક્ષ ચૂંટણી પંચ અને મોદી સરકારને ઘેરી રહી છે.

તો બીજી બાજુ અહેવાલોમાં રોજ બિહારની મતદાર યાદીમાં થતા ગોટાળા જોવા મળે છે. આવી બે ઘટનાઓ ફરી બહાર આવી છે, જે ઘણી ગંભીર છે.

આપણ વાંચો: શું બિહારની ચૂંટણીથી NDAમાં ભંગાણના એંધાણ? ચિરાગ પાસવાને નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા!

12 જીવિત મતદાર મૃત દર્શાવ્યા

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં બિહારમાં SIR એટલે કે મતદાર યાદી સુધારણા અંગે સુનાવણી થઈ હતી. આ કેસમાં અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે એક નાના મતવિસ્તારમાં 12 જીવિત લોકોને મૃત દર્શાવવામાં આવ્યા છે અને બૂથ લેવલ ઓફિસર (BLO)ના કામમાં કચાશ રહી ગઈ છે.

સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે આ લોકો કોર્ટમાં કેમ નથી? આના પર સિબ્બલે કહ્યું કે તેઓ કોર્ટમાં હાજર છે અને કેટલીક અરજીઓમાં સામેલ છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ સ્પષ્ટપણે જણાવે છે કે મતદાર યાદીમાંથી કોઈનું નામ દૂર કરવા માટે પુરાવા આપવાની જવાબદારી વાંધો ઉઠાવનાર વ્યક્તિની છે.

તેણે મૃત્યુ, સરનામામાં ફેરફાર, નાગરિકતા ન હોવા વગેરેના પુરાવા આપવા પડશે. તમે મારી પાસે મારા દસ્તાવેજો માંગી શકતા નથી, કારણ કે પુરાવા આપવાની જવાબદારી વાંધો ઉઠાવનાર વ્યક્તિની છે, તેમ સિબ્બલે ઉમેર્યું હતું.

કોર્ટે જે મતદારો જિવિત છે, તેમને મૃત બતાવવામા આવ્યા હોય તેવા તમામને કોર્ટમાં લાવવા આદેશ આપ્યો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આટલી મોટી મતદાર યાદીમાં ભૂલો થઈ શકે છે. જેમને સમસ્યા હોય તેઓ અમારો સંપર્ક સાધી શકે છે.

આપણ વાંચો: બિહારની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કેટલું કાઠું કાઢશે?

124 વર્ષની મહિલા પહેલીવાર બની મતદાર બોલો!

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણામાં જે ખામીઓ રહી ગઈ છે તેના રોજ નવા નવા કિસ્સા બહાર આવી રહ્યા છે. એક અચરજ પમાડે તેવો કિસ્સો ફરી બહાર આવ્યો છે.

સંસદભવનની બહાર ઘણા સાંસદોએ મિંટાદેવીના નામનું પોસ્ટર હાથમાં લીધું હતું અને તેમના ફોટા સાથેનું ટીશર્ટ પણ પહેર્યું હતું. ટીશર્ટની બેકસાઈડમાં 124 Not Outનું સૂત્ર લગાવ્યું હતું અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ મિંટાદેવી બિહારના એક 124 વર્ષીય મહિલા છે, જેમનું નામ ફર્સ્ટ ટાઈમ વૉટર લિસ્ટમાં આવ્યું છે.

special intensive revision (SIR)નો વિરોધ વિપક્ષ જોરશોરથી કરી રહ્યો છે. મિંટાદેવીના કેસ વિશે રાહુલે કહ્યું છે કે આવું તો ઘણું છે જે બહાર આવવાનું બાકી છે. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ મહિલાની ઉંમર 35 વર્ષ છે, પરંતુ તેની ઉંમર લખવામા ભૂલ થઈ ગઈ છે.

રાહુલે ચૂંટણી પંચ સામે વૉટ ચોરી નામે એક આંદોલન ચલાવ્યું છે અને બિહારની ચૂંટણી કોઈપણ જાતની ગેરરીતિ વિના ન થાય તેવી માગ તેઓ કરી રહ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button