બિહારમાં જીતિયા વ્રત માટે નદીમાં સ્નાન કરવા ગયેલા 41 લોકોના ડૂબી જવાથી મોત

પટણાઃ દેશભરમાં બુધવારે જીતિયા વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, પણ બિહારમાં આ દરમિયાન અલગ અલગ સ્થળોએ ડૂબી જવાની ગમખ્વાર ઘટનામાં 49 લોકો ડુબી ગયા હતા અને તેમાંથી 41 લોકોએ જીવ મુમાવ્યા હતા અને તેમની વ્રતની ઉજવણી માતમમાં પલટાઇ ગઇ હતી.
મળતી માહિતી મુજબ આ વ્રતની ઉજવણીમાં નદીમાં સ્નાન કરવાનો મહિમા છે, જે અનુસાર મહિલાઓએ ગંગા સહિતની જુદી જુદી નદીઓમાં ડૂબકી લગાવી હતી. આ તહેવાર નિમિત્તે ગંગા નદીમાં સ્નાન કરવા ગયેલા લોકોમાં રાજ્યભરમાંથી 49 લોકો ડૂબી ગયા, જેમાંથી 41 લોકોના મોત થયા હતા. ઔરંગાબાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ તળાવમાં નહાતી વખતે બે મહિલાઓ અને છ છોકરીઓ સહિત આઠ લોકોના મોત થયા હતા.
આ બધી મહિલાઓ જીતિયા વ્રતની પૂજા કરતા પહેલા નદી, તળાવ પર નહાવા ગઇ હતી. સારણ જિલ્લામાં પણ માતા તેના પાંચ બાળકો અને પરિવારના સભ્યો સાથે નહાવા ગઇ હતી અને તેમના ડૂબી જવાથી મોત થયા હતા. કૈમુર જિલ્લામાં જીતિયા તહેવાર પર સ્નાન કરતી વખતે નદી અને તળાવમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા હોવાની જાણકારી મળી હતી. આ ઉપરાંત રોહતાસ જિલ્લાના દેહરી પાલી પુલ પાસે સોન નદીમાં સ્નાન કરતા વખતે 13 વર્ષના બાળકનું મોત થયું હતું.
બિહચામાં પણ જીતિયા તહેવાર નિમિત્તે સોન નદીમાં સ્નાન કરવા ગયેલી કિશોરી નદીના ઘાટ પર ડૂબી ગઈ હતી. આ ઉપરાંત બિહારના અમાનાબાદ ખાતે નદીમાં નહાવા ગયેલી એક કિશોરી ડૂબવા માંડતા નજીકમાં નહાતી એક મહિલા સહિત અન્ય ત્રણ જણ તેને બચાવવા જતા પાણીના જોરદાર અંડર કરંટમાં ડૂબી ગયા હતા. ગામના લોકોને તેમની જાણ થતા તેઓ ચારેયને બચાવવા દોડ્યા હતા. ભારે જહેમત બાદ તેઓએ કિશોરીને બચાવી હતી અને તેને નજીકની હૉસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેને બચાવવા ગયેલી ત્રણ મહિલા હજી સુધી લાપતા છે.
તેમની ભાળ મળી નથી. તેમની શોધખોળ ચાલુ છે. જોકે, તેમના જીવિત મળવાની શક્યતા હવે નહિવત છે. આ સમાચાર મળતા જ ગ્રામજનોમાં ડર અને ભયનો માહોલ છવાઇ ગયો હતો.
Also Read –